બહેન તને ઠપકો આપશે નહિ એવી મારી આપેલી ખાતરી બાળકને ખરી લાગી નહિ; છતાં હવે બાળકનો તેમ જ મારો બીજો કોઈ ઇલાજ હતો નહિ.
જમી રહી કચેરીમાં જવા માટે મેં કપડાં પહેરવા માંડ્યાં. પરંતુ મારા કોટના ઉપલા ખિસામાં પેનની શાહીએ ટપકીને સારા પ્રમાણમાં ડાધા પાડ્યા હતા અને ટપકા પડવાની ક્રિયા હજી ચાલુ જ રહી હતી. વખત વહી જતો હતો. મહામુશ્કેલીએ કબાટની કૂંચી મેં ખોળી કાઢી : જે કૂંચીથી તાળું ઊઘડ્યું જ નહિ. કંટાળી મેં જોરથી કૂંચી ફેરવી તો કૂંચી તાળામાં જ તૂટી ગઈ, અને મેં કબાટને ત્રણચાર મુક્કા જેરથી લગાવી દીધા તથા અંગ્રેજીમાં કબાટને ગાળો દેવી શરૂ કરી. મારો રસોઈયો ખડખડાટ સાંભળી દોડી આવ્યો અને જરા આછું હસી મારા સહપ્રયત્નોમાં તે સામેલ થયો અને ગમે તેમ કરી તેણે કબાટ ઉઘાડ્યું; તેમાંથી મેં કોટ કાઢ્યો, જે પહેરી બાળકને મારી સાથે ભાડાની ગાડીમાં બેસાડી બાલમંદિરમાં મૂકી કચેરીમાં જવા નીકળ્યો. બાલમંદિરમાં તો મોડું થયું હતું, જે માટે મેં તેનાં સંચાલક બહેનની ક્ષમા માગી : પરંતુ એ ઘણા ડાહ્યા બહેને સહજ મુખ મરડી મને કહ્યું :
'આજ તો ઠીક છે, પણ અમારી બાલસંસ્થામાં અનિયમિતપણું અમે ચલાવી લેતાં નથી.'
એ દોઢડાહી બાઈને તમાચો મારવાનું મને મન થયું ! 'મોટી નિયમિતતાવાળી !' હું મારા મનમાં બબડ્યો, અને ઝડપથી કચેરી ભણી ગયો જ્યાં પણ હું કમનસીબે મોડો પડ્યો. હું ઊંચો અમલદાર હતો છતાં મારા કરતાં વધારે ઊંચા અમલદારે બરાબર સાડા અગિયારને ટકોરે મને જરૂરી કામ લઈને બોલાવ્યો, જે વખતે હું હાજર જ ન હતો. અને માત્ર દસ મિનિટ પછી હું મોટા સાહેબ પાસે ગયો ત્યારે જાણે તેમની સ્ટેનોગ્રાફર બાઈને હું ઉપાડી ગયો હોઉં એવું મોં ચડાવી તેમણે મારી સાથે વાત કરી અને વાત પૂરી