પૃષ્ઠ:Divadi.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ : દીવડી
 

થતાં મને એક વાગ્બાણ પણ માર્યું :

'કચેરીનો સમથ સાડા અગિયારનો છે; સાડા અગિયાર અને દસ મિનિટનો નથી.'

હું છોભીલો પડ્યો; સાથે સાથે ખૂબ ગુસ્સે પણ થયો. સહજ દિલગીરી દર્શાવી હું મારે સ્થાને આવ્યો અને તે દિવસે કચેરીના પટાવાળાથી માંડી શિરસ્તેદાર સુધીનાં બધાં માણસને એક અગર બીજે બહાને મેં ધમકાવી નાખ્યા. દસ મિનિટ હું મોડો આવ્યો હતો તેના બદલો વાળવા હું પા કલાક વધારે બેઠો, જેને પરિણામે મારા હાથ નીચેના સઘળા નોકરોના મુખ ઉપર સ્મશાનયાત્રાની છાપ દેખાઈ આવી.

હું ઘેર પહોંચ્યો ત્યાં તો રસોઈયાની અને પડોશીઓની વચ્ચે મારામારીનો પ્રસંગ આવી ગયો હોય એમ લાગ્યું. પડોશીઓને મેં શાંત પાડ્યા, રસોઇયાને ઘસડી હું ઘરમાં લઈ ગયો અને ઘરમાં જોયું તો મારા પ્લવંગે–પુત્રે એક બરણી તોડી, બીજી બરણીમાંથી મુરબા કાઢી લઈ આખા જમણમેજ (Dining-Table) ને મુરબાનો ઓપ આપેલ હતો.

મગજ ઉપર કાબૂ ખોઈ મેં એક ત્રાડ નાખી અને સુંવાળી ઢબે ઊછરેલા એ બાળકના હાથમાંથી એક રકાબી જમીન ઉપર પડી ગઈ. રકાબી ભાંગી, મુરબ્બો જમીન ઉપર ફેલાયો અને વધારામાં બાળકે મોટેથી રુદન શરૂ કર્યું. ગુસ્સો શમાવી મારે બાળકને છાનો રાખવો પડ્યો, રસોઈયાએ જે રસોઈ બનાવી તે જમી લેવી પડી અને કાર્યક્રમ પ્રમાણે તેણે વાનીઓ બનાવી હતી કે કેમ તે તપાસવાનું હું વીસરી ગયો. કોણ જાણે કેમ આજનો દિવસ મને અપશુકનિયાળ લાગ્યો. મને ભયંકર અણગમો આવ્યો. ઘરને અને મારા જીવનને ચલાવતું કોઈ દૈવી ચક્ર અટકી પડ્યું હોય એમ લાગ્યું. સૂતી વખતે મને યાદ ન આવ્યું કે બાળકને મારે વાર્તા કહેવાની છે. બાળકે તેની મને યાદ આપી. મેં કહ્યું :