પૃષ્ઠ:Divadi.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીની કિંમત કેટલી ? : ૧૫૩
 

'આજ મને કોઈ વાર્તા યાદ આવતી નથી.'

'તો પપ્પા ! તમે મા કરતાં ઓછું ભણેલા છો?' બાળકે પ્રશ્ન કર્યો.

નવી ઢબના ડહાપણમાં ઉછરતા આ બાળકને સોટી જડાવી દેવાની મને ઈચ્છા થઈ. કમનસીબે સુધરેલાં ઘરોમાં હવે સોટી પણ મળતી નથી.

આ તો મારા પહેલા બે દિવસનો જ અનુભવ હતો; પરંતુ પછીના દિવસો આથી યે વધારે આકરા પસાર થયા. દિવસની ખરાબ રસોઈ, અનિયમિત જીવન, બાળકનું તોફાન અને કચેરીના કામનો ઉકળાટ આખા દિવસને દોજખરૂપ બનાવી દેતાં હતાં, પરંતુ પછી રાત પણ અગ્નિચિતા બની મને શેકવા લાગી. ઊંઘ જાણે ઊડી ગઈ હોય એમ મને લાગવા માંડ્યું. અને ઊંઘ આવે ત્યારે જીવનભર નહિ જોયેલા ઓથારો અને સ્વપ્ન સાથે લાવે ! કચેરીમાં જાણે મારે અને મારા ઉપરીને મુક્કામારીની શરત થઈ હોય, હાથ નીચેનાં માણસો મને ઊંધો ટાંગી હસતાં હોય, રસોઈયો તેલની કડાઈમાં શાકને બદલે મને છમકારતો હોય અને બાલમંદિરવાળાં બહેન પોતાના નખ અને દાંત મારા દેહમાં પરોવવાની રમત બાળકને શીખવતાં હોય એવાં એવાં સ્વપ્ન મને નિત્ય આવવા લાગ્યાં. કદીક સ્વપ્નમાં એમ જ આવે કે મારા કબાટમાં એકલાં પાટલૂન ભર્યાં છે અને ખમીસકોટ છે જ નહિ; કોઈ રાત એ ઓથાર આવે કે જાણે કચેરીનાં કાગળિયાં નીચે હું કચરાઈ જાઉં છું. ચમકીને જાગ્રત થતાં કવિઓને કવિતા લખવાનું મન થાય એવાં પ્રસ્વેદ-મોતી મારે કપાળે લળકી રહેતાં. અને અઠવાડિયું પૂરું થયું નહિ એટલામાં બેત્રણ સગાંવહાલાંઓ મહેમાન તરીકે પધારવાની ભયંકર ધમકી મોકલાવી. એ વસ્તુ અસહ્ય થઈ પડી. આ બધા ય દિવસો એક પ્રેમી પ્રિયતમાને શોધે, એક