પૃષ્ઠ:Divadi.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : દીવડી
 

ભક્ત પ્રભુને શોધે, એક વેપારી નફાને શોધે, એમ મેં મારી પત્નીને શોધવા માંડી. પ્રેમ કરતાં પણ મને તેની જરૂરિયાત વધારે લાગી. એવામાં પત્નીએ બૅંગ્લોરથી મને તાર મોકલ્યો કે હિંદનો ઉદ્ધાર કરનારી તેની સખીઓ સાથે તે દક્ષિણ હિંદુસ્તાનના જોવા લાયક સ્થળોની મુસાફરીએ નીકળી પડવાની છે અને આઠ દિવસને બદલે એકાદ મહિનો મારે ઘર સંભાળવું પડશે, ત્યારે મેં એક ક્ષણની પણ વાર લગાડ્યા વગર તાર ઓફિસમાં જઈ ભારેમાં ભારે દરવાળો તાર કર્યો કે :

'પહેલી મળતી ગાડીએ પાછાં વળો. હું વિષમજ્વરથી પીડાઉં છું, અને પ્લવંગ એ જ્વરમાં પડવાની તૈયારી કરી રહ્યો છે.'

તાર મોકલ્યા પછી ત્રીજે દિવસે સવારમાં જ મારી પત્નીએ મારું બારણું ખખડાવ્યું. મને એ જ વખતે ઊંઘ આવી ગઈ હતી. એટલે બારણું ઠોકવાના ભાસને મેં સ્વપ્નમાં વરસાદની ગર્જના માની પાસુ બદલ્યું અને હું બે કલાક સુઈ રહ્યો. બે કલાક પછી કચેરીના હુતાશને મને જગાડતાં હું જોઈ શક્યો કે મારી પત્ની મારા પલંગ પાસે એક ખુરશી ઉપર બેઠી બેઠી મારા જાગ્રત થવાની રાહ જોઈ રહી છે ! આંખ ઊઘડતાં બરાબર તો મને લાગ્યું કે હું મારી પત્નીને સ્વપ્નમાં જોઈ રહ્યો છું, પરંતુ વિલાસનીના કંઠેમને જાગ્રતાવસ્થાનું ભાન્ કરાવ્યું.

'તાવ આવે છે ? છોકરો, રસોઈયો કે પડોશી કોઈ તો જાણતાં નથી !' પત્નીએ કહ્યું. તેની આંખોમાં કદી ન જોયેલી લુચ્ચાઈ મેં અત્યારે નિહાળી અને છતાં ગોપીને કૃષ્ણ મળે અને જે અકથ્ય આહૂલાદ ગોપી અનુભવે તે આહ્લાદ મેં પત્નીને નિહાળીને અનુભવ્યું.

'તને અડીને મને ખાતરી કરી લેવા દે કે તું જાતે, પોતે, પ્રત્યક્ષ અહીં હાજર છે.' અને ખરેખર ઊઠીને મેં તેના દેહનો સ્પર્શ કર્યો જ – જોકે આવાં ઊર્મિપ્રદર્શન જાહેરમાં મૂકવાની કક્ષા હું વટાવી ગયો છું.