પૃષ્ઠ:Divadi.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીની કિંમત કેટલી ? : ૧૫૫
 


'હવે ઘેલછા મૂકો ! એક આઠ દિવસ હું ઘર છોડીને ગઈ તેમાં તો તેં આખી પૃથ્વી ચાક ચઢાવી !'

મારા અભિમાનને આગળ કરી મેં તેને સામે પૂછ્યું :

'વિલાસ ! તને એવું શું લાગ્યું? ટેવ ન હોય એટલે વસ્તુ સહેજ આઘીપાછી થઈ હશે. બાકી બીજુ બધું બરાબર છે.'

'શું ધૂળ બરાબર છે ? મહિનાની ખાંડ એક અઠવાડિયા પહેલાં તો ખલાસ કરી નાખી છે ! કાચના પ્યાલામાંથી હવે એક જ આ રહ્યો છે ! માપબંધીમાં અનાજ તો હવે મળશે નહિ એટલે એની તો ભીખ જ માગવી રહી, અને મુરબ્બામાં તો તે હિંદભરના મંકોડાને ઉજાણીએ બોલાવ્યા લાગે છે ! વારુ, ખર્ચ પણ પૂરો લખ્યો નથી અને લખ્યો છે તેમાં આખા મહિનાને પગાર ખર્ચાઈ ગયો છે. એ તો ઠીક, પણ આ તારા વિષમજવરનું શું છે? ચડ્યો યે ખરો અને ઊતરી પણ ગયો ?' વિલાસિનીએ કહ્યું.

'એ મુદતી તાવ હતો, અને તું આઠ દિવસમાં પાછી આવી ન હોત તો આ અઠવાડિયામાં તેં મારા આપઘાતની જાહેરાત વર્તમાનપત્રોમાં વાંચી હોત.' મેં કહ્યું.

'બોલીશ નહિ, એવું અપશુકનિયાળ !' કહી મને ધમકાવી, તે મારે માટે જોતજોતામાં સુંદર ચા કરી લાવી.

બાળક વખતસર એના બાલમંદિરમાં ગયો અને મારી કચેરીમાં પણ વખતસર પહોંચી ગયો. કચેરી કેમ કરીને વહેલી પૂરી થાય એની ઈંતજારીમાં મેં સહુની સાથે સલૂકાઈથી વર્તી કામ પૂરું કરી નાખ્યું. હાથ નીચેનાં માણસોની આંખમાં હું આજે શાંતિ જોઈ શક્યો, અને સાડા પાંચે ઊઠવાની તૈયારી કરતો હતો એટલામાં જ મારા ઉપરીએ મને બોલાવ્યો. બહુ જ શાંતિ અને અદબપૂર્વક હું ઉપરી પાસે જઈ ઊભો. તેમણે પણ સહજ સ્મિત કરી મને પૂછયું.

'આજ તમારી તબિયત સારી લાગે છે, નહિ તો હું તમને