પૃષ્ઠ:Divadi.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : દીવડી
 

ન થઈ શકે; અને દેવનાં દર્શન ઇષ્ટ છે : એવા એવા શ્રદ્ધામય સિદ્ધાંતો બાળપણમાં સાચા લાગતા અને તે પ્રમાણે અમારું વર્તન પણ થતું. કદી તેવું વર્તન ન થાય તો સાચો પશ્ચાત્તાપ પણ થતો, પાપની ક્ષમા માગવા માટે બાધા-આખડી પણ રાખવામાં આવતી અને દેવની કૃપા મેળવવા દેવને સાષ્ટાંગ પ્રણામ પણ કરવામાં આવતા હતા. આજ એ બધુ સાચું લાગતું નથી, અને દેવ પ્રત્યેની શ્રદ્ધા પણ ઘટી ગઈ છે એટલે કે દેવને પ્રણામ કે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પણ કરવાની નમ્રતા મારામાં રહી નથી. છતાં એ ઉપચારવિધિમાંથી એક વિધિ યાદ રહી ગયો છે, અને તે એ કે હનુમાનને દંડવત્ પ્રણામ કદી થાય નહિ ! દંડવત્ પ્રણામ કરનાર ઉપર હનુમાનજી પોતાનો વજ્રભાર મૂકી દે એવી બીક હતી.

ત્યારે...હિંદના દેવોમાં એક દેવ એવા છે જે કે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાની ભક્તોને મના કરે છે ! જરા પણ નમ્યા વગર, માત્ર મર્દાનગીભર્યા નમસ્કારથી રીઝનારા વીર હનુમાન મને ખૂબ ગમતા, અને આજે પણ ખૂબ ગમે છે. શ્રદ્ધા ન હોવા છતાં તેમના કોઈ પણ મંદિર આગળથી પસાર થતાં હું તેમને છાનામાનાં નમન કરી લઉં છું.

અમારા ગામના એ હનુમાનનું મંદિર ખૂબ લોકપ્રિય હતું અને લોકોને હનુમાનનાં સત ઉપર શ્રદ્ધા પણ બહુ હતી. હનુમાને અનેક પરચાઓ બતાવ્યા હતા એમ પણ લોકો માનતા; એટલું જ નહિ, પરંતુ એ પરચાની અનેક રસભરી વાર્તાઓ પણ લોકો કહેતા, જેમાં એક્કે વાત ભણેલો યુગ ભાગ્યે સાચી માની શકે ! હનુમાનજીના પ્રતાપે ગામમાં ચોરી-ચખારી થતી નહિ, કારણ કે ચોરી કરનારાઓમાં પણ એવી માન્યતા હતી કે બજરંગ બલી હનુમાનની આણ ફરતી હોય ત્યાં ચોરી થઈ શકે નહિ ! વૃદ્ધ પુરુષો એવી પણ વાત કરતા હતા કે જૂના વખતમાં એક વાર ધાડપાડુઓએ ગામમાં ધાડ પાડી. ગામને ઝાંપે પેસતાં જ એક બાઈએ ધાડપાડુઓને