પૃષ્ઠ:Divadi.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ : ૧૫૯
 

હનુમાનની આણ દીધી. એ આણને ન માનતાં ધાડપાડુઓ ઘૂસ્યા અને દુકાનો તથા મકાનોને લૂંટવા લાગ્યા. એક ધનિકનું ઘર ઉઘાડાવી કુટુંબનાં માણસને માર મારી ધાડું પાડુઓએ તેમને ઘરની બહાર કાઢ્યા. એવામાં એકાએક હનુમાનનો 'હૂં' કારો સંભળાયો અને 'હૂં' કાર સાથે જ ઘરનો એક માળ તૂટી પડ્યો અને ઘર અંદર ગયેલા ધાડપાડુઓ એ માળ નીચે દટાઈ ગયા. બહાર રહેલા એકબે ધાડપાડુઓએ હનુમાન મંદિર જઈ પોતાનાં હથિયાર મૂકી દીધાં અને ગામને કરેલા નુકસાનનો દોઢો બદલો આપવાની બાધા રાખી એટલે ઘવાયેલા ધાડપાડુઓ જીવતા તો નીકળ્યા; પણ તેમણે ત્યાર પછી આ ગામે ધાડ પાડવાનું મોકૂફ રાખ્યું અને બીજું ગામ લૂંટી, અગર ફાવે તેમ કરી, થયેલા નુકસાનનો બદલો વાળી આપી હનુમાનની માનતા પૂરી કરી.

આમ આ હનુમાનનું મંદિર ગામનું એક મહાન રક્ષણસ્થાન હતું. અને હનુમાનની હાક ચારે બાજુએ વાગતી. ગામના ગુનેગારોને હનુમાનની હાજરી સીધે માર્ગે રાખી રહી હતી અને પરગામના ગુનેગારોને તેમની હાજરી ખૂબ ભય પમાડતી હતી. ગામના આખા નૈતિક સંસ્કારનો આધાર આમ હનુમાનનું મંદિર બની રહ્યું. હતું. પાપ લઈ હનુમાનનાં દર્શન કરવા કોઈ પણ આવતું નહિ; અને આવતું તો તેનાં પાપ પ્રગટ થઈ તેને ત્યાં ને ત્યાં જ સજા મળી જતી.

એમાંથી એવી પણ એક માન્યતા ઊભી થઈ કે જ્યાં સુધી હનુમાન અને હનુમાનનું મંદિર ગામમાં હોય ત્યાં સુધી ગામની આબાદીને જરા યે ધક્કો પહોંચે નહિ. એ મંદિર સાચામાં સાચી સાર્વજનિક મિલકત બની રહ્યું હતું. સહુ તેને પોતાનું માનતા, છતાં તેમાં કોઈની માલિકીની ભાવના ઉત્પન્ન થતી નહિ. શનિવારના ઉત્સવો અને મેળા થયા કરતા હતા અને પોતપોતાની શક્તિ અનુસાર સહુ કોઈ એ મેળાઓને સફળ બનાવતા,