પૃષ્ઠ:Divadi.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ : ૧૬૧
 

મારો પણ રૂપિયો ઘડે ઘડે ગણી લેજો, શેઠ ! હનુમાનની ધજાને ચિનગારી પણ લાગે તો આપણો રળ્યો પૈસો ધૂળ બરાબર છે.'

'એ તો ખરું, શેઠિયા ! પણ તમે યે હાથમાં ઘડો લો અને અગ્નિદેવતાને શાંત કરો. આ એક માણસનું કામ નથી; અને અત્યારે તમારા રૂપિયાની ખાતર કોઈ ઘડા ગણવા બેસશે નહીં.' ગામના એક પટેલે પાસેના એક ઘરમાંથી આણેલા બે ઘડા શેઠિયાઓના હાથમાં આપતાં કહ્યું. અને કદી પણ જેમણે ઘડો ઊંચક્યો ન હતો એવા એ બંને શેઠિયાઓએ કેડ મજબૂત બાંધી, પાણીવાળા ઘડા અગ્નિની ઝાળમાં નાખવાનું શરૂ કર્યું.

શેઠિયાઓને કામ કરતા જોઈ આખા માનવસમુદાયમાં એક પ્રકારનું શૂરાતન ઊભરાઈ આવ્યું. જોરાવર જુવાનો અને કાબેલ કારીગરો હિંમતપૂર્વક હાથમાં ધારિયાં વાંસી લઈ અગ્નિવાળા ઘરવિભાગોને તોડવા લાગ્યા. ગામની સ્ત્રીઓ ઝપાઝપ ચારે બાજુએથી બેડાં ભરી ભરી પાણી લઈ આવી અને અગ્નિ સામે યુદ્ધે ચડેલા જુવાનિયાઓના હાથમાં આપવા લાગી. ભડભડ બળતી આગ વચ્ચે પાણી રેડવા ધસતા એ યોધ્ધાઓ પાણીનો મારો ચલાવવા લાગ્યા. બૂમાબૂમ થઈ રહી હતી, પરંતુ એ બૂમાબૂમનું કેન્દ્રસ્થાન એક જ હતું :

'આગ હોલવો ! પાણી છાંટો ! આગવાળો ભાગ તોડી પાડો ! આગને ઝીલવા તૈયાર થયેલા ભાગને કાપી નાખો ! ગમે તે તોડો ફોડો ! પણ જોજો, રખે આગનો તણખો હનુમાનની દેરીને અડકે.'

અમે બાળકો ટાળે વળી દિગ્મૂઢ બની ઊભાં હતાં. અગ્નિની ભયાનકતા અને લોકોના કોલાહલ અમારા હૃદયમાં એક પ્રકારનો થડકાર વારંવાર ઉપજાવતાં હતાં, શું કરવું એની અમને સમજ પડતી ન હતી. હનુમાનના મંદિરને આગ અડશે તો આખું ગામ પાયમાલીના ખાડામાં પડશે એવી કોઈ અર્ધસમજાતી બીક અમને થથરાવી રહી હતી. એટલામાં એક વૃદ્ધે પાણીનો ઘડો આગમાં રેડતાં બૂમ પાડી :