પૃષ્ઠ:Divadi.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંદિરનું રક્ષણ : ૧૬૫
 

હતાં. હનુમાનની ફરકતી ધજા અનીતિને સતત ભય પમાડતી હતી.

એને જ લગતો એક નાનો સરખો બીજો પ્રસંગ મારા બાળપણનો નોંધી લઉં. આગ લાગી અને હોલવાઈ એ જ વર્ષે નદીમાં ભયંકર પૂર આવ્યું. એ પૂરનાં મહાજળ હનુમાનની ભેખડને ધોઈ રહ્યાં હતાં. ગામને ભય લાગ્યો કે હાથવેંતમાં એ પાણી હનુમાનના મંદિરને તાણી પાડવા મથી રહ્યાં છે. આગની માફક રેલને દિવસે પણ આખું ગામ ભેગું થયું, અને પૂરના બળને ખાળવા સહુ કોઈ પોતપેતાની બુદ્ધિશક્તિ પ્રમાણે મથન કર્યું જતું હતું. ધો ધો વહેતાં પાણી આખી મેદનીના હૃદયને થડકાવી રહ્યાં હતાં. પાણી ચઢતાં જતાં હતાં અને નગરશેઠ પોતાનાં પત્ની સાથે સહકુટુંબ પૂજાપાનો સામાન લઈ ભેખડ ઉપર આવી પહોંચ્યા. તેમની સાથે ઠાકોર તરીકે ઓળખાતો ગામનો એક ગરાશિયો પણ હતો. સહુએ શેઠને માર્ગ કરી આપ્યો. ગામના શાસ્ત્રીએ શેઠ અને શેઠાણી પાસે નાની પૂજા કરાવી. ફુલ, ચંદન, નારિયેળ અને સાડી તેમણે નદીને ચડાવ્યાં અને સહુએ ધાર્યું કે હવે નદીનાં પૂર નમતાં થશે; પરંતુ નદીએ ઊતરવાનું એક પણ ચિહ્ન બતાવ્યું નહિ અને ગામના આશ્રયસ્થાન સમું હનુમાનનું મંદિર ક્ષણે ક્ષણે ભયમાં આવી પડતું હતું.

એકાએક ગરાશિયાએ કહ્યું :

'ફૂલ-ચંદનથી મા નહિ રીઝે. કોઈનું કાળું કૃત્ય થયું છે એથી મા કોપી છે. લોહી લીધા વગર એ કોપ શમે નહિ.'

'લોહી કોણ આપશે ?' શાસ્ત્રીજીએ પૂછ્યું. રુધિર ધરાવવાના મંત્રો અને વિધિ શાસ્ત્રીજી પાસે તૈયાર હતાં; પરંતુ બ્રાહ્મણનું લોહી નદીમાતાને ન જ ખપે.

'ચાંદવાળા મિયાંએ કહ્યું કે મેરા લોહી ચલેગા ?'

'તે બધા હિંદુઓ મુડદાં બની બેઠા છે કે શું ? ગરાશિયાઓએ ચૂડીઓ નથી પહેરી ! કહે એટલું લેાહી હું પાણીમાં પધરાવું. કટાર મારી પાસે છે.' ગરાશિયાએ કહ્યું અને કમરેથી એણે