પૃષ્ઠ:Divadi.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : દીવડી
 

એકલાં પડેલાં પ્રેમીઓ એકબીજાંને અડીને બેઠાં. એકાંતમાં દેહ દેહને વધારે ખેંચે છે. રસિકને એકાએક લાગ્યું કે એકાંત માગે એ કરતાં વધારે ગાંભીર્ય ચંદ્રિકા ધારણ કરી રહી છે.

'કેમ આટલી ગંભીર તું બની રહી છે?' રસિકે ચંદ્રિકાને પૂછ્યું.

'અમસ્તું જ. કાંઈ છે નહિ,' ચંદ્રિકાએ જવાબ આપ્યો.

'પરીક્ષા પસાર કરીએ તે દિવસે આપણે ઊછળવું જોઈએ. આમ શાંત ન બેસાય -મોં ચઢાવીને.'

'બહુ આનંદ થયો નહિ.'

'ઉપલા વર્ગમાં હું કે તું ન આવ્યાં તેથી?'

'એ તો ખરું. સાથે સાથે... ભાવિનો વિચાર મને મૂંઝવે છે.'

'શાથી? હવે તો ભાવિનાં દ્વાર ઊઘડે છે.'

'ભાવિનાં દ્વાર સાંકડાં લાગે છે.'

'કેમ ?'

'હજારોની સંખ્યામાં આપણે પરીક્ષા પસાર કરીએ. એટલી સંખ્યા ઝડપાઈ આર્થિક ચોકઠામાં ગોઠવાઈ જાય એવી આપણી સમાજવ્યવસ્થા છે ખરી ?'

'તેં તો અર્થશાસ્ત્ર ઉકેલવા માંડ્યું !'

'આજના જીવનનું એ જ મોટામાં મોટું શાસ્ત્ર છે.' ચંદ્રિકાએ કહ્યું.

રસિકને પહેલી જ વાર અનુભવ થયો કે પ્રેમ જીવન એ માત્ર આનંદનો ચઢતો જાતો ઉભરો નથી. એમાં ઓટ પણ આવે છે. ખાસ કરી આર્થિક જંતુઓ પ્રેમની ખિલાવટને ખાઈ જાય છે. જૂના યુગ કરતાં આજનો યુગ પ્રેમને ફોલી ખાનારાં આર્થિક જંતુઓથી વધારે પ્રમાણમાં ઊભરાયેલો રહે છે, અને તે સ્નેહલગ્નને પણ માત્ર લગ્નની સામાન્યતાએ લાવી મૂકી દે છે.

'પણ હવે ચિંતા કરવાનો અર્થ નથી. ડિગ્રી મળી એટલે