પૃષ્ઠ:Divadi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : દીવડી
 

કવિતા લખ્યે સૌંદર્ય કે યૌવન મળે એમ તેને લાગ્યું નહિ. છતાં તેણે ફરી આવીને એક કવિતા તો લખી જ. સાથે સાથે તેને એક સુંદર કલ્પના પણ આવી. રસિકના પોતાના જ સંસ્કાર, બુદ્ધિ, ઝમક શું આ ગ્રામ્યસૌંદર્યને ન જીતી શકે? એકલું જંગલી શરીરબળ એ જ વિજયની ચાવી ન હોઈ શકે?

બીજે દિવસે દીવડી આવી તે વખતે રસિક પોતાની આસપાસ મોટા ગ્રંથોના ઢગલા કરી બેઠો હતો. તેણે દીવડીને પૂછ્યું :

'દીવડી ! તને વાંચતાં લખતાં આવડે છે ?'

'ના રે, ભાઈ ! ભણવાનું કામ પડે તો કોઈ મોટા ગામમાંથી બામણને બોલાવી લાવીએ. તમે તો બહુ ભણ્યા લાગો છે, ભાઈ?'

'હા દીવડી ! હું તો બ્રાહ્મણનું ભણતર ભણ્યો છું અને ગોરા સાહેબનું ભણતર પણ ભણ્યો છું.'

'ભાઈ ! ભણીને કરશો શું? આ બધાં ચોપડાં...લોકો વાત કરે છે કે તમે આખો દહાડો અને રાત વાંચ્યા કરો છો. તમારે કામ શું કરવાનું ?'

‘વાંચનારની, લખનારની બુદ્ધિ બહુ વધે અને અભણ કરતાં દુનિયામાં એ બહુ આગળ વધે.’

'ક્યાં આગળ વધે? ભણી ભણીને તમે આવ્યા તો અમારે ગામડે ને ?'

' જો, દીવડી ! મેં નિશ્ચય કર્યો છે કે ગામડેથી તંદુરસ્તી મેળવી હું પાછો જાઉં એટલે સૌથી પહેલાં તને ઊંચકી મારી મોટરકારમાં બેસાડવી, પછી તને શહેરમાં લઈ જવી, મારે ત્યાં રાખવી અને મારા જેટલું જ તને ભણાવવી.'

'ઓય બાપ ! તમે...ભાઈ, ખરા છો ! શહેરનાં માનવી સારાં દેખાતાં નથી. પછી મારાં ઢોરઢાંકનું શું થાય ? મારાં માબાપ, ભાઈભાંડું એ બધાંનું શું થાય? અને..? ' કહી જરા ઓઢણી માથા ઉપર આગળ ઓઢી દીવડી સહેજ હસી.