પૃષ્ઠ:Divadi.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : દીવડી
 

છે તે?'

'ના.'

'પહેલા પગારમાંથી તને એક સરસ સાડી લઈ આપવી.'

'મને કયો રંગ ગમે છે એ ખબર છે ને ?'

'તારા દેહ ઉપર કોઈ, પણ રંગ શોભી ઊઠે એમ છે.'

'પછી?'

'બીજે માસે એક ઘરેણું.'

'ઘરેણાં મને બહુ ગમતાં નથી. તેં આપેલી વીંટી બસ છે.'

'સરસ કર્ણ ફૂલ હજી જોઈએ. ગાલ ઉપર લટકતો અલંકાર....'

'એ પહેલાં રિસ્ટ-વૉચ લાવે તો કેવું?'

'નહિ; એ ત્રીજા મહિનાના પગારમાંથી.' રસિકે કહ્યું.

કલ્પનાવાતો પણ હૃદયને હળવું બનાવે છે. હળવા હૃદયને નિદ્રાપ્રવેશ સુગમ હોય છે. બન્ને પ્રેમી પતિપત્ની નિદ્રામાં પડ્યાં. પહેલાં જાગૃત થયેલા રસિકે વિચાર કર્યો કે પત્ની જાગૃત થાય ત્યારે તેની સામે તૈયાર ચા ધરી તેને આશ્ચર્યમાં નાખી દેવી; ઉત્સાહપૂર્વક તેણે સ્ટવ સળગાવ્યો, ચાનું પાણી તેના ઉપર મૂકી દીધું. ખાંડ નાખવા ખાંડની ચિઠ્ઠી ચોડેલો ડબ્બો તેણે ખોલ્યો અને ખાંડનો ડબ્બો ખાલી જોતાં જ તેનું હૃદય ધબકી ઊઠ્યું. ઘરમાં તો ખાંડ જ ન હતી !

ચંદ્રિકા જાગી ગઈ. તેણે આવી ગૃહવ્યવસ્થામાં પડેલા પતિની મૂંઝવણ પારખી લીધી. તેણે કહ્યું :

'ખાંડ તો વરી ગઈ છે. આપણી સફળતાના આવેશમાં આપણે ગઈ રાત્રે અસંખ્ય મિત્રોને ચા પાઈ દીધી.'

'હવે?' ચાના શોખીનોને ખાંડની વર્તમાન વ્યવસ્થા કે અવ્યવસ્થા મહાન આફતરૂપ લાગે છે. આફતના ઓળા રસિકના મુખ ઉપર પણ ઊતર્યા.