પૃષ્ઠ:Divadi.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : દીવડી
 

એક મોટો સ્ત્રીવર્ગ પુરુષવર્ગના કમાણી ઇજારાને તોડવા મથી રહ્યો હતો એનું સ્પષ્ટ ઉદાહરણ રસિકે પોતાના જીવનમાં જ નિહાળ્યું. તેણે એક પ્રકારનો ભય પણ અનુભવ્યો.

'ક્યારથી નોકરીમાં જોડાવું છે?' રસિકે અંતે પૂછ્યું.

'કાલથી જ.' ચંદ્રિકાએ કહ્યું.

'તો...રસોઈ..મારે જ કરવાની રહેશે, નહિ ?'

'તો ય શું ?....જો કે મને તારી રસોઈ કરવાની શક્તિમાં જરા ય વિશ્વાસ નથી એટલે હું નોકરી પણ કરીશ અને રસોઈ પણ કરીશ.'

'બે કામ થશે ?'

'હા; બે નહિ, ત્રણ કામ હું સાથે કરી શકું છું.'

'સમજાયું નહિ.'

'જો, પરણ્યા પછી હું ભણતી પણ ખરી; આપણને કોઈએ સાથે ન રાખ્યાં એટલે રસોઈ પણ હું કરતી અને...'

'કહે, કેમ અટકી ગઈ ?'

'મારે કહેવું ન હતું... પરંતુ હું સાથે સાથે કમાતી પણ હતી..તને ખબર ન પડે એમ,'

‘ત્યારે કોઈકોઈ મિત્રની મદદ મળતી હતી એમ તું કહેતી હતી તે શું ?'

'એ મિત્ર તે હું જ. બીજું કોઈ નહિ.'

ચંદ્રિકા ભણતાં ભણતાં લઘુલિપિલેખન અને ટાઈપિંગ શીખતી હતી તેની રસિકને ખબર હતી; પરંતુ એમાંથી એ રસિકનું પોષણ પણ મેળવતી હતી એની ખબર રસિકને અત્યારે જ પડી. આશ્ચર્યચકિત રસિકે પૂછ્યું.

'મને કહ્યું કેમ નહિ ત્યારે ? હું પણ કમાણી શરૂ કરત.'

'મારે તને હમણા કમાણીના કચરામાં વેડફી નાખવો નથી.'

'એટલે ?'