પૃષ્ઠ:Divadi.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો હરીફ: ૧૭૯
 


'મારે તને હજી ભણાવવો છે...બે વર્ષ બરાબર વાંચ અને આગળની ડિગ્રી મેળવી લે.' ચંદ્રિકાએ કહ્યું.

પત્નીની હરીફાઈનો ઉદ્દેશ વિચારી સ્તબ્ધ બનેલો રસિક ફાટી આંખે પત્ની સામે જોઈ રહ્યો. પત્નીમાં ઊપસી આવેલું પતિ પ્રત્યેનું વાત્સલ્ય અનુભવી રસિક વિચારમાં ઊંડે ઊતરી ગયો. સ્ત્રી લક્ષ્મી છે, અન્નપૂર્ણા છે અને અંબા છે. એને સાક્ષાત્કાર કરતા રસિકના હાથ પકડી ચંદ્રિકાએ પૂછ્યું :

'હવે જમવા ઊઠવું છે કે સામે જોયાં કરવું છે?'

'તારી સામે જોતાં હું ધરાતો નથી.'

'એટલે એમ જ કહે ને કે મારે તને કોળિયો પણ ભરાવવો પડશે !'

'મને ખાતરી છે કે જરૂર પડ્યે તું એ પણ કરી શકીશ ...જેમ તેં હરીફાઈ કરી તેમ.'

પ્રેમલગ્ન કરી રસિકને જરા ય પસ્તાવું પડ્યું નહિ–તેનાં હિતસ્વીઓ તેને ડરાવતાં હતાં તેમ.

લગ્ન સ્વીકારી ચૂકેલી પત્નીમાં રંભા અને માતા સાથે સાથે કેમ દેખાય તેનો પરચો રસિકને અત્યારે થયો-પત્ની પ્રેમલગ્નથી મળી હોય કે માત્ર લગ્નથી મળી હોય તો પણ !

‘હજી હરીફાઈ ભુલાતી નથી, ખરું? અદેખો...પુરુષ...!' કહી ચંદ્રિકા રસિકને ખેંચી જમાડવા લઈ ગઈ.