પૃષ્ઠ:Divadi.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવર્ણાક્ષર : ૧૮૧
 

અને સંસ્કાર પ્રત્યે તેમની અભિમુખતા ખૂબ વધતી જતી હતી. તરીપાર ન ઊતરેલા લેખકો, ચિત્રો ખપાવવાની હાયવરાળમાં વાસ્તવવાદી બની ગયેલા ચિત્રકારો, જૂનાં સુવર્ણાક્ષરી લિપિવાળાં ચિત્રો અને ચિત્રોવાળા ગ્રંથસંગ્રહોના વ્યાપારીઓ અને પ્રાચીન સિક્કાઓના વેચાણમાંથી મહેલાતો ઊભી કરવાની આશા રાખતા સંશોધકો ચંદ્રકાન્તની આસપાસ વીંટળાયેલા રહેતા; એટલે ધનિકોમાં,નેતાઓમાં, અમલદારોમાં અને સંસારવમળમાં ડૂબકાં ખાવા છતાં પોતાનું અહં જરા ય ઓછું ન થવા દેતા કવિઓ, લેખકો અને કલાકારોનો ચંદ્રકાન્ત ખૂબ માનીતો થઈ પડ્યો હતો. કંપનીના ડાયરેક્ટર તરીકે કંપનીની સભામાં જેમ તેને પ્રમુખસ્થાન મળતું તેમ સાહિત્યમિલનમાં, સંગીત પરિષદમાં કે નૃત્યનાટકના જલસામાં પણ તેનું પ્રમુખપણું વારંવાર વર્તમાનપત્રમાં નોંધાતું. ચંદ્રકાન્તની પાત્રતા જોતાં એમાં કાંઈ ખોટું પણ ન હતું.

નામ સહુને ગમે છે. નામાંકિતપણું એ પરમ સજ્જનોને માટે પણ લાલસાનો વિષય હોય છે. ચંદ્રકાંતને અનેક આમંત્રણો આવતાં તેને તેનો કંટાળો પણ તેને આવતો. છતાં તેના સંસ્કાર અને સજ્જનતા ઘણાંખરાં આમંત્રણોના સ્વીકાર તરફ જ તેને દોરી જતાં. એ પ્રમુખ હોય એટલે એનાં તો વખાણ થાય જ. એ સહુને મદદરૂપ થઈ પડતો હતો એટલે સમાજમાં તેનાં વખાણ થાય એ સ્વાભાવિક હતું. બુદ્ધિમાનો અને કલાકારોને જવલ્લે મળતાં વખાણ ચંદ્રકાંતને ઘણાં મળતાં, કારણ તેનું પુસ્તકાલય સમૃદ્ધ હતું. તેનો સંગ્રહાલય અદ્દભુત વસ્તુઓથી ભરેલો હતો અને અભ્યાસીઓ તથા લેખકો માટે તેના ઘરના દરવાજા ખુલ્લા હતા. વર્તમાન ભોજની તેને ઉપમા મળે અને વીસમી સદીના વિક્રમનું પદ તેને મળે એ તેને પોતાને ન ગમે એ સમજી શકાય એમ હતું; છતાં ચારે પાસ સુવાસ ફેલાવી રહેલા એ ધનિક, સંસ્કારી, રસિક અને યુવાન સજ્જન માટે ભોજ-વિક્રમનાં બિરુદ વપરાય એમાં આશ્ચર્ય તો નથી જ. પોતે જાતે પુરુષશ્રેષ્ઠ