પૃષ્ઠ:Divadi.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવડી : ૧૮૨
 

છે એમ તો માનવાને કે મનાવવાને તે તૈયાર ન હતો; છતાં તેનું સ્થાન વર્તમાન સમાજમાં ગણનાપાત્ર તો છે જ એવો ખ્યાલ તેને ન આવે તો તેને માણસ નહિ પણ દેવ કહેવો જોઈએ. દેવને પણ પોતાના દેવત્વનું અભિમાન નથી હોતું એમ ન કહેવાય.

કલાકારો અને સાહિત્યકારોના એક સમારંભમાં ચદ્રકાન્તને એક સુંદર માનપત્ર મળ્યું. માનપત્રો અનેક આકાર ધારણ કરે છે. છબીના ચોકઠાથી માંડી કોઈ પણ રચના માનપત્રને અનુકૂળ થઈ પડે છે. અને ચંદ્રકાન્તને મળેલા માનપત્રે તો એક સુવર્ણ કુતુબમિનારનું એક નાનકડું સ્વરૂપ ધારણ કર્યું. વિક્રમ અને ભોજની તથા અકબર અને હરૂન-અલ-રશીદની તેને ઉપમાઓ મળી; ઉપરાંત નવા યુગને અનુકૂળ થઈ પડે એવી પણ એક સુંદર ઉપમા તેને મળી. અને એ ઉપમાને એ સુવર્ણમિનારા ઉપર સુવર્ણાક્ષરે કોતરવામાં પણ આવી.

'ગાંધીચીંધ્યા માર્ગનો એક સાચો મુસાફર; જે ધનનો માલિક નહિ, પરંતુ ધનનો સાચો વાલી બની મહાત્માના આત્માને સંતોષ આપી રહ્યો છે.

આવા સુવર્ણાક્ષરે કોતરાયેલા સુવર્ણશબ્દોથી ભરેલા માનપત્રે તેના હૃદય પર ભારે અસર કરી. ચંદ્રકાન્તને જે નિષ્ઠા હતી તે તેના પ્રશંસકો સમજી શક્યા એટલે તેને સંતોષ જરૂર મળ્યો ખરો. બહુ જ વિવેકપુર:સર તેણે માનપત્રનો જવાબ આપ્યો. અને પોતાને માટે વપરાયેલાં વિશેષણ તેમ જ પ્રશંસાવચનોને પોતે લાયક નથી એમ તેણે માનપત્રનો જવાબ આપતાં કહ્યું. હારતોરા અને માનપત્ર લઈ તે ઘેર આવ્યો. ઘેર યોજેલી મિજબાનીમાં કાયદેસર વીસ અંગત મિત્રોને તેણે જમાડ્યા – બાકી રહેલાઓ માટે બીજા દિવસોમાં ચોવીસ ચોવીસની સંખ્યામાં જમાડવાની યોજના પણ ઘડાઈ ચૂકી હતી – અને મધ્ય રાત્રિએ બધા વેરાઈ ગયા ત્યારે તે અગાશીમાં બેસી પોતાની પત્ની સાથે સુંદર કારીગરીવાળા કુતુબમિનારની પ્રતિકૃતિ