પૃષ્ઠ:Divadi.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવર્ણાક્ષર : ૧૮૭
 

મારી ઓળખાણ સુવર્ણાક્ષરે કોતરવામાં આવ્યાં છે.' ચંદ્રકાન્તે કહ્યું.

'મૂકી દો, મૂકી દો ! અરે ! એને ફેંકી દો ! સુવર્ણાક્ષરો તો જોતજોતામાં તેજાબને આશ્રયે ગળાઈ જશે અને તમારાં નામ, ગુણગાન અને તવારીખો ભુલાઈ, ભૂંસાઈ એક ગઠ્ઠો બની જશે. એના કરતાં કાળી શાહીથી તમારું નામ લખો.' અજાણ્યા પુરુષે ધીમેથી પરંતુ મંત્રોચ્ચારની ગંભીરતાપૂર્વક કહ્યું.

ચંદ્રકાન્તને એકાએક ચક્કર આવ્યાં. ભૂતની દુનિયામાં તે એકાએક પ્રવેશ્યો હોય તેમ એને લાગ્યું. ક્ષણભર તેને વહેમ પણ આવ્યો કે સામે ઊભેલ માનવી કદાચ ચોર પણ હોય, પરંતુ ચોરમાં આવી બધી વિદ્વતા હોય ખરી? તેના મનને એ પ્રશ્ન કરે છે એટલામાં તેના હાલતા શરીરને સામે ઊભેલા પુરુષે પકડી લીધું, અને તેને સ્વસ્થતાપૂર્વક લઈ જઈ પાસેના એક કોચમાં સુવાડ્યો. ચંદ્રકાન્તને એમ લાગ્યું કે તેના મુખ પર કોઈ અજબ મીઠાશ ફરી વળી છે. તેણે કહ્યું:

'હું તો..ધનનો માલિક... નથી...વાલી છું.'

બેભાન થતાં થતાં તેણે હસતા મુખના ઉદ્દગાર પણ સાંભળ્યા:

'હું પણ મારા રાજયનો અને મારી પ્રજાનો વાલી હતો. છતાં આજ હું એ નથી, એ પ્રજા યે નથી અને બન્ને સાચવી રાખતો મારો સિક્કો આજ ચલણમાં પણ નથી. મહેલમાં વસી વાલી ન થવાય; વાલી બનનારે ઝૂંપડીમાં રહેવું જોઈએ. એમ બનશે ત્યારે સાચા સુવર્ણાક્ષરે નામ લખાશે.'

જુદી સૃષ્ટિ-અજાણી સૃષ્ટિમાંથી જાણે આ ઉદ્ગારો આવતા હોય એમ ચંદ્રાકાંતને લાગ્યું. અને આ વિચિત્ર સ્વપ્ન જોતો જોતો એ ત્યાં જ નિંદ્રાધીન થઈ ગયો. સવારમાં એ જાગ્યો ત્યારે પોતાના નિત્ય સૂવાના પલંગમાં તે સૂતો હતો, અને ચંદ્રિકા તથા ચંદ્રકાંતનાં માતાપિતા તેની કાંઈ સારવાર કરતાં હતાં. એકાએક ચંદ્રકાંતને વિશિષ્ટ વસ્તુઓ મૂકવાનો પોતાનો ખંડ યાદ આવ્યો, જેમાં સુર્વણ