પૃષ્ઠ:Divadi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : દીવડી
 

પડેલી ટેવ રસિકને વ્યસનરૂપ બની ગઈ હતી, એટલે તેણે પિતાને લખી દીધું કે તબિયત સુધરતી જતી હોવાને કારણે તે આખું ચોમાસું ગામડામાં ગાળનાર છે. તબિયત સુધરતી જતી હતી એ વાત પણ સાચી. નદીકિનારે રસિક ફરવા જતો તે હવે નદીને સામે પાર જઈ આગળની વૃક્ષધટાઓમાં પણ ફરતો થઈ ગયો. ફરતાં ફરતાં પણ તેને દીવડીના જ વિચારો આવ્યા કરતા હતા, અને કોઈક કોઈક વાર એવી વૃક્ષકુંજોમાં લાકડાં વીણવા આવેલી કે ઘાસભારો ઉઠાવી જતી દીવડી મળી જતી ત્યારે રસિકના આનંદનો પાર રહેતો નહિ. અને દીવડી પણ ત્યાં જ ભારો નાખી દઈ રસિક સાથે શહેરની જાદુઈ વાતોમાં આનંદપૂર્વક વગર સંકોચે રોકાતી. રસિકની વાત સાંભળી સાંભળીને દીવડીને પોતાને પણ કોઈક વાર મન થતું કે તે શહેરમાં જાય અને શહેરના જાદુ નિહાળી આંખને તૃપ્ત કરે !

એક સંધ્યાએ વર્ષાનાં વાદળાં ઘેરાઈ રહ્યાં હતાં. દૂર દૂર ચમકતી વીજળી હસતી રમતી પાસે આવી રસિકને ચમકાવવાનો પ્રયત્ન કરી રહી હતી. વૃક્ષઘટામાં રમતા મયૂરો મેઘાડંબરને જવાબ આપતા હતા અને પક્ષીઓ ઊડી ઊડીને વૃક્ષડાળીઓમાં સંતાઈ જતાં હતાં. સુસવાટા લેતા મરુતનું દળ આખું અને આખું ઊલટી પડતું હતું. અને મેઘ ક્ષણમાં તૂટી પડશે એ પૂર્ણ ભાસ થઈ રહ્યો હતો. ત્યારે રસિક એ જ વૃક્ષકુંજોમાં ફરતો ફરતો દીવડીના સૌંદર્યનું પૃથક્કરણ કરતો હતો. અને ખરેખર, સામેથી તેણે દીવડીને જ આવતી જોઈ, આશ્ચર્ય ચકિતનયને રસિક દીવડીને જોઈ રહ્યો.

'હજી અહીં છો, ભાઈ? ભાગો ભાગો !' કહી દીવડીએ રસિકનો હાથ પકડી ખેંચ્યો. રસિક કવિતામાં ડૂબી ગયો. તેના પગ ચાલતા ન હતા. દીવડી સામે જોઈ રસિકે પૂછ્યું :

'દીવડી ! તું ક્યાંથી ? વીજળીમાંથી ઉતરી આવી શું ?'

'અરે વીજળી પડશે તો હું અને તમે બન્ને બળીને ભસ્મ થઈ જઈશું. પગ ઉઘાડો, નહીં તો મર્યા સમજો નદીમાં ઘોડાપૂર