પૃષ્ઠ:Divadi.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૧૯૩
 

લઈને આવતો અને તેની મોટાઈ સંતોષાય એ ઢબે નોકર તેને બીજા વિદ્યાર્થીઓથી અલગ પાડી તેનું રક્ષણ કરી તેને જ નાસ્તો ખવરાવી દેતો. આ જોઈ શાળાના છોકરાઓ પાઈ પૈસાના ચણા લાવી રૂપમોહન દૂર બેઠા બેઠા નાસ્તો ખાતો હોય ત્યાં તેને તાકીને મારતા. કોણે ચણો માર્યો એ જલદી પકડાય એમ ન હતું, એટલે ગુસ્સે થયેલો નોકર વિદ્યાર્થીઓની આ ચેષ્ટાને રોકી શકતો નહિ.

પરંતુ રૂપમોહનને એથી ચીઢ અને રીસ ચઢતી ન હતી એમ કહેવાય નહિ. ભારે ઉદારતા હોવા છતાં પોતાની નકલ કે પોતાનો ઠઠ્ઠો સહન કરવો મુશ્કેલ છે. એક વખત રૂપમોહન શાળાની બહાર નીકળતાં ગુસ્સે થઈ ગયો; કારણકે તેના સરસ કોટના સરસ ખિસ્સામાં કોઈએ કાંકરા ભર્યા હતા. રૂપમોહન જાણતો હતો કે તે બીજા છોકરાઓ કરતાં વિશિષ્ટતા ધરાવતો નિશાળિયો હતો. તેના સરખા માતાપિતા બીજા વિદ્યાર્થીઓને નથી એવી તેને ખાતરી હતી. તેણે ચિડાઈને બૂમ પાડી :

'કોણે હરામખોરે મારા ખિસ્સામાં કાંકરા ભર્યા?'

'ગાળ ન દઈશ. મેં કાંકરા ભર્યા છે. બોલ, શું કહેવું છે?' એક મારકણા છોકરાએ આગળ આવી કહ્યું.

'હું મારા માણસ પાસે તને માર મરાવીશ.' રૂપમોહને કહ્યું.

'પણ તેમાં તેં શું કર્યું? યાદ રાખજે, જો માણસને કંઈ કહ્યું છે તો તને અધમૂઓ કરી નાખીશ.'

'હું આજે જ તને માર ખવરાવીશ.' એટલું રૂપમોહને કહેતાં બરોબર પેલા મારકણા વિદ્યાર્થીએ રૂપમોહનને બોચીથી પકડી ધક્કો મારી જમીન ઉપર નાખ્યો, અને તેને મારવા લાગ્યો. રૂપમોહન મારો મિત્ર હતો એટલે હું વચ્ચે પડ્યો. એટલામાં સહેજ દૂર ગયેલો રૂપમોહનનો નોકર બૂમાબૂમ સાંભળી આવી લાગ્યો અને તેણે રૂપમોહનને મારનારને મારવાનું શરૂ કર્યું. રૂપમોહન અને તેને મારનાર બન્નેએ રડવા માંડ્યું. મેં સહુને છોડાવવા પ્રયત્ન કર્યો અને સહુ