પૃષ્ઠ:Divadi.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : દીવડી
 

કોઈએ અરસપરસ દુશ્મનાવટ વધારી છુટા પડ્યા. ઈશ્વરની કૃપા છે કે બાળપણના ઝઘડા અને મારામારીઓ, બાળકોમાં કાયમી વેરઝેર ઉપજાવતાં નથી. અઠવાડિયામાં અમે પાછા ભેગા થઈ ગયા, જો કે રૂપમોહનને મારનાર વિદ્યાર્થીની ખબર લેવાની તેનાં માબાપોએ ધમકી આપી અને રૂપમોહનને આ મારામારીમાંથી કાંઈ વધારે હાનિ ન થાય એ માટે વૈદ્યો અને ડૉકટરોની એક પરિષદ બોલાવી.

આમ ચાલતું અમારું બાળપણ આગળ વધી કિશોરાવસ્થા પામ્યું અને અમે માધ્યમિક શિક્ષણને છેડે આવી પહોંચ્યા. ત્યાં સુધીમાં રૂપમોહનનું રૂપ ઘણું ઘટી ગયું; પરંતુ એનું વૈદ્યકીય જ્ઞાન ઘણું વધી ગયું. એટલું જ નહિ પણ તેના અભ્યાસની અતિશયતાનો ખ્યાલ કરી ડૉકટરોએ તેને ચશ્માં પહેરવાની પણ સલાહ આપી દીધી, જે સલાહ માન્ય કરી તેણે ચશ્માં પહેરવા પણ માંડ્યા. માધ્યમિક શિક્ષણમાં ગૂંથાયલા વિદ્યાર્થીઓ ભાગ્યે જ ચશ્માં પહેરે છે. થોડા દિવસ રૂપમોહનને ચશ્માં ગમ્યાં, બધા કરતાં જુદા પડવાનું અભિમાન પણ તેનામાં ઊપજ્યું; પરંતુ વિદ્યાર્થીઓ કોઈનું પણ અભિમાન ભાગ્યે જ સાચવે છે. રૂપમોહનના સુંદર નામને બગાડી વિદ્યાર્થીઓએ તેને 'ચશ્મેધબ’ને નામે ઓળખવા માંડ્યો. અને નવું નામ પડે એટલે સહુ કોઈને કારણ વગર પણ એ નામ ઉચ્ચારવાનું મન થઈ જાય ! ઓળખીતા, વગર-ઓળખીતા સહુ કોઈ તે ચાલ્યા જતો હોય ત્યાં 'ચશ્મેધબ' એવી બૂમ પાડી ઊઠતા. એ નામ અંતે ખીજની કક્ષાએ આવી પહોંચ્યું. કોઈ પણ માનવીને ઘેલો બનાવવો હોય તો તેની ખીજ પાડી દેવી. ડાહ્યામાં ડાહ્યો માણસ પણ એ ખીજનો બોલ સાંભળીને ઘેલામાં ઘેલા માનવી જેવું વર્તન કરવા માંડશે !

વિદ્યાર્થીઓએ રૂપમોહનને બરુના અને કાગળનાં ચશ્માં બનાવીને