પૃષ્ઠ:Divadi.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૧૯૯
 

કહી શકાય જ નહિ. મારી સુચના થતાં પહેલાં એણે એ સૂચન અમલમાં મૂકી દીધેલું જ હોય !' રૂપમોહન બોલ્યો અને તેણે સહજ ઉધરસ ખાધી. ચારુલતાના મુખ ઉપર પતિના અન્યાયી શબ્દોનો પડઘો પડ્યા વિના રહ્યો નહિ, જોકે તે એક અક્ષર પણ બોલી નહિ અને માત્ર ગંભીર મુખ કરી ત્યાંથી ચાલી ગઈ. સૂચન થતાં પહેલાં અમલમાં મૂકનાર પત્ની કોઈ પણ પતિને આશીર્વાદરૂપ લાગવી જોઈએ. રોગથી વિકૃત બનેલા મારા મિત્રના માનસને એવી પત્ની પણ ફાવતી ન લાગી !

'જોયાં અમારાં પત્નીને ? મારું શરીર આવું છે છતાં એને ચિંતા હોય એમ લાગતું નથી !' રૂપમોહને કહ્યું.

'શા ઉપરથી તું એવું કહે છે?' મેં પૂછ્યું.

'એનું શરીર જરા યે ઘટ્યું લાગતું નથી.' રૂપમોહન બોલ્યો. એ માંદા માણસનું મન પણ માંદુ થઈ ગયું હતું અને પોતાની પત્નીની તંદુરસ્તી પણ એ ખમી શકતો ન હતો. માંદગી માનવીને અતિ સ્વાર્થી બનાવી દે છે.

'માંદો તું રહે, અને શરીર તારી પત્નીએ ઘટાડવું, એમ? ઈશ્વરનો આભાર માન કે તારી માંદગી સાચવવા તેણે તને એક તંદુરસ્ત પત્ની આપી છે.' મેં કહ્યું. અને એટલામાં ચારુલતા ચા અને કાંઈ ખાવાનું લઈ આવ્યાં. પતિની આગળ પણ તેમણે ચા અને કાંઈ ખાવાનું મૂકી દીધું. રૂપમોહને મુખ ઉપર કદરૂપાશ લાવી કહ્યું :

'તું જાણે છે કે મને ચાની ડોક્ટરોએ ના પાડી છે અને આ ખોરાક મને ભારે પડી જાય એ મારે તને કેટલી વાર કહેવું ?'

'આ ચા નથી; અને ખાવાનું પણ ડૉક્ટરના કહ્યા પ્રમાણેનું જ છે; મારા મનમાં કે આપના મિત્રની જોડે...'

'મેં શું કહ્યું હતું તને ? મારી પત્ની એટલે કદી પણ ભૂલ ન કરે એવું પ્રાણી.' એટલું બોલી રૂપમોહન હસ્યો. તેના હાસ્યમાં તેની પત્ની પ્રત્યેની ચીઢ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ચારુલતાની