પૃષ્ઠ:Divadi.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : દીવડી
 

આંખમાં આંસુ ચમક્યાં અને તે ઢાંકવા તે અંદર ચાલી ગઈ. માંદગી માનવીને અતિ સ્વાર્થી તો બનાવે છે, સાથે સાથે તે માનવીને અદેખો અને ખારીલો પણ બનાવે છે. બંનેની જિંદગી ધૂળમાં મળી જતી હતી તે મેં જોઈ અને મેં રૂપમોહનને કહ્યું :

'રૂપ ! હું તને અહીંથી ઉઠાવી જવા આવ્યો છું.'

‘હું ઈચ્છું છું કે કોઈ મને આ સ્થળથી છોડાવે – જોકે મારાથી તો ડગલું પણ મુસાફરી થઈ શકે એમ નથી. અને પાછાં અમારાં પત્નીની તારે રજા લેવી પડશે.' રૂપમોહને કહ્યું.

'એ બધું મારા ઉપર છોડી દે.' મેં કહ્યું. અને મેં બેત્રણ દિવસ રહી ચારુલતાને સમજાવી રૂપમોહનને મારી સાથે લેવાનું નક્કી કર્યું. દરમિયાન મેં આ દર્દી પતિની કેટકેટલી હકીકત સાંભળી. પત્નીને એ ચોવીસે કલાક ત્રાસ આપ્યા કરતો હતો; પત્નીની અદેખાઈ કર્યા કરતો હતો અને પોતે વધારે ભણી શક્યો નહિ માટે ચારુલતાને પોતે ન ભણવા દીધી એમ મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને એ સ્વાર્થી માંદા મિત્ર ઉપર ક્રોધ ચઢ્યો, અને ચારુલતાની મને દયા આવી. હું જોઈ શક્યો કે ચારુલતા પણ પતિ સાથે માંદગીના મુખમાં પ્રત્યેક ક્ષણે ધસતી જાય છે. માત્ર એ પોતાની માંદગીનો દેખાવ ઢાંકી રાખતી હતી.

રૂપમોહનને મેં સાથે લીધો. ચારુલતાની જરા પણ ઈચ્છા ન હતી કે તેને એકલી છોડવામાં આવે, પરંતુ મને લાગ્યું કે સતી સીતા અને પતિ રામચંદ્રને પણ ચોવીસે કલાક સાથે રાખવાં એ બન્ને માટે જોખમભરેલું છે. પતિને સતત માંદો જોનાર પત્ની અગર પત્નીને સતત માંદો જોનાર પતિને એકબીજાથી છોડાવવા એમાં જ બન્નેની સલામતી રહેલી છે. ચારુલતાને રડતી મૂકી મેં રૂપમોહનને મારી સાથે લીધો. ડૉક્ટરોને મેં ખાનગી રીતે પૂછ્યું હતું. તેમણે તો મને ચોખ્ખું કહી દીધું કે હવે રૂપમોહન માટે દુનિયામાં કોઈ દવા નથી અને કોઈ ડૉક્ટર પણ નથી.