પૃષ્ઠ:Divadi.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : દીવડી
 

તેની દવા લેવાની ટેવને મેં જરા યે ગણકારી નહિ. દવા આપવામાં મેં વાર લગાડવા માંડી અને પા કલાકને બદલે દવા આપવામાં કલાક થઈ જાય તો પણ મેં તેની દરકાર રાખી નહિ. મારી બેકાળજીથી કંટાળેલો રૂપમોહન પ્રથમ તો મને ધમકાવી શક્યો નહિ કે મારી સામે છણકો કરી શક્યો નહિ. મારી બેદરકારી પ્રત્યે લાચારી બતાવી તે સૂઈ જતો અને મને લાગ્યું કે તે નિદ્રાવશ પણ થતો. છત્રીશ કલાકની અમારી મુસાફરી હતી. ભર દિવસે તે બે કલાક નિરાંતે ઊંઘ્યો અને તે જાગ્યો ત્યારે તે કોઈ પણ ફરિયાદ કરે તે પહેલાં મેં તેને કહ્યું :

'રૂપ ! તું બહુ સારું ઊંઘ્યો.'

'કોણે કહ્યું ?' રૂપમોહને જવાબ આપ્યો. સનાતન દર્દીઓને કોઈ સારું ચિહ્ન દેખાયું એમ કહેનાર માનવી જરાય ગમતો નથી. દયાના એ ભિખારીઓ સતત દયા માગવામાં જ મોજ માણે છે.

'હું કહું છું. બે કલાકથી છો તું હાલ્યોચાલ્યો પણ નથી.'

'બે કલાક ? મારી દવાનું શું થયું ત્યારે ?'

'અરે તારી દવાને નાખ જહન્નમમાં. દવા પાછળ આ ઘેલછા શી? તને બે કલાક સારી ઊંઘ આવી એ કહે ને !' મેં તેને કહ્યું,

રૂપમોહન મારી તરફ જોઈ રહ્યો. રૂપમોહનની માંદગીની અને તેની દવાની અવગણના કરનાર હું કોણ આ દુનિયામાં પાક્યો, એવો આશ્ચર્ય ભાસ તેના મુખ ઉપર છવાઈ રહ્યો. પછી તેણે કહ્યું :

'પણ હવે આ કલાકની દવા તો આપ !'

'પાછલી રહી ગયેલી દવા ભેગી કરીને આપું ? કે આ ટંકની એકલી જ ?' મેં પૂછ્યું.

'શું તું યે અભણ જેવું બોલે છે! દવાઓ તો બધા ટંકની ભેગી થતી હશે ? એ તો જે તે વખતે અપાય.' રૂપમોહને કહ્યું અને મેં તેણે બતાવ્યા પ્રમાણે દવા, પ્યાલો અને પાણી તેની પાસે મૂકી દીધાં. તેણે મને પ્યાલો સાફ કરવાનું કહ્યું. મેં પ્યાલાને કૂક મારી