પૃષ્ઠ:Divadi.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૨૦૩
 

સાફ કર્યો એટલે રૂપમોહન ચીસ પાડી બોલી ઊઠ્યો:

'અરર ! તું આ શું કરે છે? '

'કેમ? પ્યાલો સાફ કરું છું.' મેં કહ્યું.

'એમ નહિ. ચોખ્ખા રૂમાલ કે કકડાથી પ્યાલો સાફ થાય. આ તો તારા મુખના જંતુઓ પ્યાલામાં આવે.' રૂપમોહને કહ્યું.

'અરે ચાલ, જંતુવાળા ! મારી ફૂંકથી તો ભલભલા જંતુઓ ઊડી જાય છે. અરે આ ગાડીનો વેગ એટલો છે કે ડબ્બામાં જંતુઓ રહે જ નહિ. તારી બારી ખોલી નાખુ?'

'ના, ના, ભાઈ ! બારી ખોલીશ તો મને ન્યૂમોનિયા થઈ જશે.' – કહી તે કટાણુ મુખ કરી દવા પી ગયો. મેં તેને વાતોએ વળગાડ્યો. થોડી ચોપડીઓ વાંચવા આપી. ચિત્રવાળાં માસિકોનો ઢગલો તેની પાસે કર્યો અને પછી હું સુઈ ગયો. હું જાગતો હતો છતાં સૂવાના ઢોંગમાં ખાસ્સા ત્રણ કલાક મેં કાઢી નાખ્યા. એટલે વળી પાછી પા પા કલાકે રૂપમોહનને લેવાની દવા રહી ગઈ. નોકર બીજા ડબામાં બેઠો હતો. તેને રૂપમોહન પાસે આવવાની મેં સખ્ત મનાઈ કરી હતી. એટલે નોકર ઉપર, પોતાને એકલો છોડનાર પત્ની ઉપર અને મારા જેવા બેદરકાર મિત્ર ઉપર શાપ વર્ષાવતો રૂપમોહન ન છૂટકે ચિત્રો અને ચોપડીઓમાં ચિત્ત પરોવવા લાગ્યો.

હું જાગ્યો ત્યારે તેણે મને કહ્યું :

'તુ આમ મને દવા વગરનો રાખીશ તો હું તો મરી જઈશ.'

'તો ય શું? જીવન કરતાં મૃત્યુ વધારે ચોક્કસ છે. અને આપણે એવાં ક્યાં મોટાં માણસો છીએ કે આપણા મૃત્યુથી કોઈને પણ ખોટ પડે?' મેં કહ્યું. અને રૂપમોહને વિચિત્ર ઢબે મારી સામે જોયું. મારો અણગમો તેને આવવા લાગ્યો. હતો એમ હુ સ્પષ્ટ જોઈ શક્યો. ગાડીમાંથી ઊતરતી વખતે એ અણગમો સ્પષ્ટ થયો અને તેણે મને કહ્યું :

'ભાઈ ! મને તો વળતી ગાડીએ પાછો ઘેર રવાના કરી દે.