પૃષ્ઠ:Divadi.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪ : દીવડી
 

મારાથી અહીં નહિ રહેવાય.'

'અરે, તું જો તો ખરો ! મેં પણ લીધું છે કે તને સાજો કરવો.' મેં કહ્યું.

'પરંતુ તારી આવી બેદરકારીમાં તો હું મરી જઈશ કે ગાંડો બની જઈશ.'

'ગાંડો તો તું બની જ ગયો છે એટલે મારે તને બાંધીને ન રાખવો પડે એટલું તું જોજે. અને તારા કે મારા મૃત્યુની તો મને કિંમત જ નથી. જો રૂપ ! દવાનો કોઠાર બનીને જીવવા કરતાં મરવું શું ખોટું ?' મેં કહ્યું અને તેને સાથે લીધો. હું જોઈ શક્યો કે રૂપમોહન ભયભીત થયો અને કંપી ઊઠ્યો. ઘેર જઈ મેં તેને બહુ સુખસગવડમાં રાખ્યો અને તેની ખૂબ કાળજી લીધી; પરંતુ બીજી સવારે તેના દેખતાં જ મેં તેની દવાની બધી શીશીઓ ફોડી નાખી, મકાનના કંપાઉન્ડમાં તેને સહજ ફેરવ્યો, તેનાં નિરર્થક ગરમ કપડાં મેં નોકરને આપી દીધાં, અને તેની ખાવાપીવાની ચાપલૂસીમાં જરા ય સાથ આપ્યો નહિ. એની એક પણ ફરિયાદ ન સાંભળવી એવો મેં નિશ્ચય કર્યો અને રૂપમોહનની ધમકી કે વિનંતિ, પ્રત્યે મેં તલપૂર પણ ધ્યાન આપ્યું નહિ. ડૉકટર કે વૈદ્યનો તેને સંસર્ગ પણ થવા દીધો નહિ, જોકે થોડા દિવસ સુધી તો તેણે કલાકે કલાકે ડૉકટર-વૈદ્યની માગણી કરવા માંડી. જરૂર પડ્યે મેં તેને ધમકાવી નાખવા માંડ્યો અને હું જોઈ શક્યો કે એક અઠવાડિયામાં જ તેના ખોરાકમાં, તેની આકૃતિમાં અને તેના સ્વભાવમાં ફેર પડવા માંડ્યો હતો. તેને પોતાને પણ એમ લાગ્યું કે દવા વગર મરવાને બદલે તે જીવી શકે છે. કેટલીક સારવારો તેણે પોતાને હાથે કરી લેવા માંડી, અને બે માસમાં તો તેણે મારી સાથે ત્રણ માઈલની ચાલ ચાલવાની પણ શરૂઆત કરી દીધી હતી.

ત્રીજે માસે મેં ચારુલતાને તાર કરી બોલાવ્યાં. રૂપમોહને પોતે ચારુલતાને સ્ટેશને તેડવા જવા મન કર્યું, પરંતુ મેં ક્યારનું