પૃષ્ઠ:Divadi.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૨૦૫
 

ય તેને કહી દીધું હતું કે તે ચારુલતા જેવી પત્નીને જોવા લાયક પતિ હજી બની શક્યો નથી.

સાંજને વખતે ચારુલતાને લઈને સ્ટેશનેથી હું મારે ઘેર આવ્યો ત્યારે કંપાઉન્ડમાં રૂપમોહન તેના નોકરની સાથે બેડમિન્ટન રમતો હતો. તેને જોઈને ચારુલતાની આંખમાંથી આશ્ચર્ય ઢળી પડ્યું. ઊતરતાં બરોબર રૂપમોહન ચારુલતાની સામે ધસી આવ્યો, અને તેની આંખમાં પણ પ્રેમ ઝળકી રહ્યો. આશ્ચર્ય ઓછું થતાં ચારુલતાની આંખમાંથી આંસુ આવી ખરવા લાગ્યાં. મેં કહ્યું :

'ચારુલતા ! નાનપણમાં માબાપે અને મોટપણમાં તમે આ રુપમોહનને બગાડી મૂક્યો. રૂપમોહન ! ફાટેલી આંખે પત્ની તરફ જુઓ છો એના કરતાં તમે જ પાણી પાયેલા છોડમાંથી એક ગુલાબ લાવી પત્નીને ભેટ તો આપો !'

રૂ૫મોહન વગર દવાએ અને વગર સારવારે બળવાન અને રૂપાળો બની ગયો. પતિ-પત્ની બંનેને બીજા બે માસ મેં મારે ત્યાં રાખ્યાં અને પછી બન્નેને વિદાય કરતી વખતે કહ્યું :

'રૂપમોહનને એક પણ દવા જો તમે આપી છે તો હું તમને છૂટાછેડા લેવાની ફરજ પડીશ !'

એકાદ વર્ષ વીત્યા પછી બન્નેએ સાથે પડાવેલી છબી રૂપમોહને મારી તરફ મોકલી ત્યારે મારે તેના જવાબમાં લખવું પડ્યું :

'ભાઈ રૂપમોહન !

'છબી તારી જ છે એમ હું માની લઉં છું, જો કે છબી જોતાં મને એમ માનવાનું મન થાય છે કે ચારુલતાએ તને – જૂના રૂપમોહનને – સનાતન દર્દીને છૂટાછેડા આપી કોઈ સારા દેખાવડા નવયુવાન સાથે લગ્ન કર્યું છે !'