પૃષ્ઠ:Divadi.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦ : દીવડી
 

એથી પ્રશ્ન આગળ વધતો :

'બીજાનું દેવું પણ હું આપી દેત...જો મને પાંચસાત વર્ષ વધારે મજૂરી કરવા દીધી હોત તો...પણ આ તો મજૂરી કરવા માટે મારી જમીન પણ તેમણે કયાં રહેવા દીધી ?'

'સોનાના ટુકડા સરખી મારી જમીન...ગઈ...ક્યારે પાછી મળશે ?'

વિચારમાં અને વિચારમાં શુન્ય બની ગયેલા આ સફળ ખેડૂતથી ખેતી પણ થતી નહિ. ઊંચકેલો પાવડો કેટલી યે વાર હાથમાં જ રહી જતો. બી વાવતાં વાવતાં એક જ સ્થળે બધાં જ બી પડી જતાં. કોસ હાંકતાં હાંકતાં પાણી બીજી જ નીકમાં વહી જતું. ધીમે ધીમે તેમનો ખોરાક પણ ઓછો થઈ ગયો.

લોકો તેમની મશ્કરી કરતા બની ગયા. તેમાં યે ગામનો પટેલ તો મોઢે મીઠું બોલી પાછળ એવી ટીકાઓ કરતો કે જે સાંભળી ન જાય: 'મોટો ગામ સુધારવા બેઠો હતો...સુધાર હવે તારી જાતને !' 'બે અમલદારોએ બોલાવ્યા એટલે ફૂલાઈને ફાળકો બની ગયા !' 'એને તો સારી ખેતી માટે રાજપોશાક મળ્યો હતો... હવે એ પોશાક વેચવા કાઢજે, બચ્ચા !' આ અને આથી યે કડવી વાણીના ભણકારા તેમને કાને પડ્યા કરતા હતા.

જમીન વધારે રહી નહિ એટલે બાજી પટેલના બે મોટા દીકરા શહેરમાં મજૂરીએ ચાલ્યા ગયા. કામ કરનાર મજૂરની પણ હવે જરૂર રહી નહિ. જરૂર હોય તો ય તેમને આપવા જેટલા રોકડા પૈસા હવે રહ્યા નહિં. વગરજરૂરના વધારાના બળદો પણ વેચી નાખવા પડ્યા અને નિરુપયોગી પડેલાં કેટલાં યે ઓજારો પડોશીઓ છાનેમાને બળતણ બનાવવા ચોરી ગયા. સારી સ્થિતિમાંથી નીચે ઊતરી આવનાર પ્રત્યે સહાનુભૂતિ ઊપજે એવી માનવતા હજી માનવજાતે કેળવી નથી. પરાઈ પડતીમાં આનંદ લેવાની બર્બરતા એ માનવીનું સામાન્ય લક્ષણ છે – શહેરમાં તેમ જ ગામડામાં. બાજી પટેલે ગામમાં કેટલાં