પૃષ્ઠ:Divadi.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬ : દીવડી
 


'પણ આપણે તો ગાય વેચવી હોય તો ને ? ગાય વેચું તો હું મારી દીકરી વેચું ! એ ન બને.'

'જો જો હો, બંને વેચવાની વારી ન આવે !'

'શેઠ! એક વાર બોલ્યા તે જવા દઉં છું. ફરી બોલશો તો જીભ ખેંચી નાખીશ. મરેલો બાજી પટેલ હવે જીવતો થાય છે એ ભૂલશો નહિ.' આખા ગામમાં એક વાર જેની હાક વાગતી એ બાજી પટેલ વર્ષોથી બુદ્ધાવતાર ધારણ કરી બેઠા હતા. એ અવતાર ખંખેરાઈ જઈ જૂના બાજી પટેલ જાગતા થયા હોય એવો તેમનો શબ્દરણકાર રણકી રહ્યો.

‘પણ આ તો તમે બોલેલા ફરી જાઓ છે. બાજી પટેલ એવું ન કરે.' ગાય ખરીદવા આવેલા શેઠે છેલ્લો પાસો નાખી જોયો. બાજી પટેલનો બોલ ચાંદાસૂરજની સાખ સરખો ગણાતો હતો.

'કાલે કળજગ મારી જીભે આવી બેઠો હતો, શેઠ ! તમને શરમ નથી આવતી કે તમારી પાઈએ પાઈ ચૂકવી આપનાર બાજી પટેલની ગાય લેવા આવ્યા છો ? સો વાતની એક વાત. ગાય વેચીશ તે દહાડે જીભ કરડી હું મરી જઈશ.' બાજી પટેલ બોલ્યા. ગાય પાસે ઊભી રહી આ વાત સાંભળતી ચંચળ ગાયને ગળે વધારે ને વધારે વળગતી જતી હતી. તેની પાસે થોડી વારમાં બાજી પટેલ આવ્યા અને બોલ્યા :

'ચંચી ! તારી મા પાસેથી કંકુ લાવ ને?'

'કેમ બાપુ?' બાજી પટેલમાં આવેલા નૂતન ચૈતન્યને નીરખી હરખાતી ચંચીએ કારણ પૂછ્યું.

'આ ગોરીના શુકન લઈ આજ હું બહાર નીકળું છું. આપણાં ગયેલાં ખેતરો પાછાં ખેંચી લાવીશું ને?' બાજી પટેલ દીકરીને માથે હાથ ફેરવતાં બોલ્યા. દીકરીની વાત સાંભળી તેમના પક્ષઘાત પામી ગયેલા હૃદયમાં નવું બળ આવ્યું હતું. સૂતાં સૂતાં એમણે નિશ્ચય કરી લીધો હતો કે ગાય કદી વેચાય નહિ...અને ગાયને શુકને બહાર