પૃષ્ઠ:Divadi.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી-શાની ?: ૨૧૯
 

માણસો પોલીસને સ્વાધીન કરે એમાં નવાઈ પણ શી? વધારે નવાઈ તો એ હતી કે મદન સારું ભણેલ ગણેલ યુવક હતો. એક વાર સારી આશા આપતો યુવક જણાતો હતો. તેણે નોકરી પણ વારંવાર કરેલી હતી અને બીજી સર્વ રીતે તે અત્યંત નિરુપદ્રવી માનવી તરીકે જાણીતો હતો. ચારેક વર્ષથી મદન કોઈ સ્થિર નોકરી કરી શકતો નહિ અને આખા પડોશમાં એકલવાયા માનવી તરીકે ઓળખાતો હતો, પરંતુ એ દોરડા જેવી વસ્તુની ચોરી કરશે, ચોરી કરતાં પકડાશે અને પકડાયા પછી એ ચોરી કબૂલ કરશે, એમ માનવાને કોઈ તૈયાર ન હતું.

છતાં જ્યારે તેણે નફટાઈથી ચોરી કબૂલ કરી ત્યારે પડોશીની જુદી જુદી ઓરડીઓ અને મકાનના માલિકને એકાએક ભાન થયું કે તેમના ઘરમાં કોઈ કોઈ વાર થયેલી ચોરી મદને જ કરી હોવી જોઈએ. એક પડોશીએ કહ્યું કે તેની ત્રાંબાકૂંડી ઓટલે મૂકેલી, એક ક્ષણમાં ઊપડી ગઈ હતી. બીજા પડોશીના બાળકનું એક ચાંદીનું ઝાંઝર એકાદ વર્ષ ઉપર કોઈએ કાઢી લીધેલું હતું તે જડ્યું જ ન હતું. ત્રીજા પડોશીનાં એક પછી એક ત્રણેક ધોતિયાં મોંઘવારીના સમયમાં ગુમ થયાં હતાં જેને પત્તો હજી સુધી પડ્યો જ ન હતો. ચોથા પડોશીની પત્નીની ખોટાં મોતીની માળા ત્રણેક વર્ષ ઉપર ખોવાઈ હતી જેની ચોરી કોને માથે નાખવી તેની સુઝ હજી સુધી તેને પડી ન હતી. તે હવે મદનને માથે નાખી અને ખોટાં મોતી સાચાં બની ગયાં. આમ કોઈની છત્રી ખોવાઈ હતી અને કોઈની લાકડી, કોઈના જોડા અને કોઈના દીવાના ગોળા ચોરાયેલા સાંભરી આવ્યા; અને સહુને એકાએક લાગ્યું કે મદન જ આ બધી વસ્તુઓનો ચોર હતો. એક પડોશીના સો રૂપિયાની નોટ પણ તેના ખિસ્સામાંથી ગુમ થઈ હતી અને તે આ દોરડું ચોરનારા મદને જ ચોરી લીધી હતી એમ હવે તેને શંકા પડી–શંકા નહિ, ખાતરી જ થઈ ગઈ.