પૃષ્ઠ:Divadi.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી – શાની ? : ૨૨૩
 

ગરીબી ન ગણકારતાં તેને કન્યા આપનાર તેની જ કોમનો એક માણસ તેને મળી ગયો હતો. કદાચ નાત-જાત ન હોત તો તેને આ રીતે પત્ની ન મળત. પત્ની તો મળી; પરંતુ સિફારસ ન હોવાથી તેમ જ કોઈનો ટેકો ન હોવાથી તેને નોકરી મળતાં ઘણો સમય વીતી ગયો. તેની ઉમેદો તો મોટી મોટી હતી. તેને દેશભક્ત થવું હતું, સમાજસેવક થવું હતું, નામના કાઢવી હતી, શોધખોળ કરવી હતી; પરંતુ બે ટંકના ખોરાકની શોધમાં તેની એક્કે ઉમેદ બર આવે તેમ તેને લાગ્યું નહિ. અંતે સરકારી નોકરી મહામુસીબતે મળી; અને ત્યારે તેને લાગ્યું કે નોકરી મેળવતાં અને નોકરી મળ્યા પછી અપમાનના ડુંગર ચારે પાસ ઊંચા અને ઊંચા વધતા જ જાય છે. વગરદોષે તેને માથે ઢોળાતા દોષ અને તેનાં અપમાન અને શિક્ષા ખમતાં ખમતાં તેને એક જ આશ્રયસ્થાન દેખાયું; એ આશ્રયસ્થાન તે તેની પત્ની. એ પત્ની તેના સઘળા દોષને ગણકારતી ન હતી; તેના ઠપકા અને શિક્ષા પ્રસંગે તેને સતત આશ્વાસન આપ્યા કરતી હતી. સતત નિરાશામાં ડૂબતા મદનને સર્વદા પોતાનો હાથ આપી તેનું મસ્તક ઊંચું અને ઊંચું રાખવા મથતી હતી. જીવનમાં મદનને કાંઈ પણ રસ હોય તો તે તેની પત્નીને અંગે હતો. ત્રણચાર વર્ષ વીતી ગયાં અને તેની પત્નીએ કૌટુંબિક જીવનમાં તેને એક બાળક પણ આપ્યું; પરંતુ બાળક આપીને પત્ની માંદી પડી. માંદી પત્નીને જોવા જવા માટે મદને ઉપરી પાસે રજા માગી. રજા આપવાની ઉપરીને સગવડ ન હતી. મદનના કાલાવાલાની અસર પણ ઉપરી ઉપર ન થઈ. ઉપરીની એક જ શરત : નોકરી સાચવવી હોય તો પત્નીની સાચવણી બાજુએ મૂકવી; પત્નીની સાચવણી સાધવી હોય તો નોકરી બાજુએ મૂકવી. મદને રાજીનામુ આપી નોકરીને બાજુએ મૂકી; પરતુ પત્ની તેના આવવાની રાહ જોતી જીવ સંભાળી રહી હતી; મદનને જોઈ તેણે પોતાનો દેહ છોડી દીધો અને સંભારણામાં નાનું બાળક આપ્યું.