પૃષ્ઠ:Divadi.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪ : દીવડી
 


બાળકને મોસાળમાં સોંપી પત્નીના મૃત્યુનો શોક સમાવી તે ફરી પોષણ શોધવાને નીકળી પડ્યો. પત્ની પ્રત્યે તેને કેટલો પ્રેમ હતો અને પત્નીનું મૃત્યુ તેના આત્માને કેટલું શોષી રહ્યું હતું તે જાણવાની દુનિયાને દરકાર ન હતી. મહામુસીબતે એક ગામમાં શિક્ષક તરીકે તેને નોકરી મળી. વિદ્યાર્થીઓને તે પ્રિય થઈ પડ્યો; પરંતુ વિદ્યાર્થીઓને પ્રિય થઈ પડનાર શિક્ષક બીજા શિક્ષકોને પ્રિય થઈ પડતો નથી એની તેને ખબર નહિ, એટલે તેના સહશિક્ષકો અને તેના ઉપરીઓ તરફથી તેણે કલ્પેલી નહિ એટલી સતામણી થવા માંડી; અને જ્યારે શાળાઓના મહારાજા ઈન્સપેક્ટરનું રહેવાનું અને જવા-આવવાનું ભાડાખર્ચ તેને માથે નાખવાનો પ્રયત્ન થયો ત્યારે તેને લાગ્યું કે વિદ્યાવર્તુળમાં કલિયુગનું પૂરું ઝેર પ્રસરી ચૂક્યું છે અને શિક્ષકની નોકરી માટે તે લાયક નથી. તેણે શિક્ષકની નોકરી છોડી દીધી.

લખવા-વાંચવાનો તેને શોખ હતો, એટલે તેણે ધાર્યું કે લોકહિતનો મુદ્રાલેખ લઈ બેઠેલાં વર્તમાનપત્રોમાં તેના જેવા સાચા માણસને જરૂર સ્થાન મળશે. ખૂબ રખડપટ્ટી કરી થોડા દિવસ મફત કામ કરી તેણે વર્તમાનપત્રમાં જગા મેળવી. મહિનો, બે મહિના,છ મહિના, વર્તમાનપત્રમાં પોષણ મેળવતાં તેને લાગ્યું કે વર્તમાનપત્રોને પણ ખબર અંગે, વિચારને અંગે અને રાજનીતિને અંગે ભાગ્યે જ સત્ય જેવી વસ્તુ સ્પર્શી શકે છે. મદનને સત્ય લાગતું હતું એ સત્ય એ આપ્યે જતો હતો, પરંતુ સત્ય આપવાની લઢણ એના કોઈ પણ ઉપરીને માફક આવતી નહિ; અને એ લઢણ એ ચાલુ રાખે તો તેનો વર્તમાનપત્રને જરા ય ખપ નથી એવી તેને સમજ આપી દેવામાં આવી. એ સમજથી ન સુધરેલા મદનને અંતે રજા મળી. તેના સારા અક્ષરોને અંગે તેણે મહામુસીબતે એક વેપારી પેઢીમાં સ્થાન મેળવ્યું. વેપારી પેઢીમાં પ્રવેશ કરતાં બરાબર તેને લાગ્યું કે હૃદયને ગૂંગળાવી નાખ્યા સિવાય, કહો કે મારી નાખ્યા