પૃષ્ઠ:Divadi.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી – શાની ? : ર૨૫
 

સિવાય તેનાથી એ પેઢીમાં નોકરી થઈ શકે જ નહિ. તેને હસતા તેના સાથીદારોએ તેને શિખામણ આપી કે એક પેઢી અને બીજી આ પેઢી વચ્ચે કશો જ તફાવત નથી, અને હૃદયને જાળવનાર માટે આ દુનિયામાં સ્થાન જ નથી.

મદને ઈન્સ્યોરન્સ કંપનીઓ શોધી, બેંક શેાધી, ધર્મસ્થાનો શોધ્યાં, છતાં કોઈ પણ સ્થળે સત્યનો ખપ હોય એમ તેને લાગ્યું નહિ. ઈશ્વર ઉપર તેને શ્રદ્ધા હતી. છેલ્લી નોકરી છોડી તે પોતાની ઓરડીમાં આવી બેઠો અને ઈશ્વર ઉપર અને ઈશ્વરને ચરણે તેણે પોતાના સત્યને મૂકી દીધું. ઈશ્વર હોય અગર આ દુનિયાને સત્યની જરૂર હોય તો આપોઆપ તેને જીવતાં રહેવાની સગવડ મળશે એમ માની તે ઘરમાં જ બેસી રહ્યો. ઘરમાં કાંઈ પણ ખાવાનું હતું નહિ. એક દિવસ તેને ભૂખ ન લાગી; બીજે દિવસે તેના દેહે પોષણ માગ્યું. પાણીથી તેણે ભૂખને સંતોષવા પ્રયત્ન કર્યો. અર્ધો દિવસ તે પાણીથી ટકી રહ્યો. પણ રાતમાં ઈશ્વર ઉપરની તેની શ્રદ્ધા ઓછી થઈ, સત્ય ઉપરથી તેની આસ્થા ઘટી ગઈ અને તેને ચોરી, લૂંટ, મારફાડ, અને ખૂનના વિચારો આવવા લાગ્યા. આખી રાત આવા વિચારોમાં તેણે વિતાવી અને ઈશ્વરને અને સત્યને તેણે વારંવાર સહાયે આવવા હાકલ કરી. ન ઈશ્વર તેને દેખાયો, ન સત્ય તેને દેખાયું. ભૂખથી વ્યથિત થયેલો મદન પ્રભાતમાં ઓળખીતા વ્યાપારીને ત્યાં ખોરાકની વસ્તુ લેવા ગયો અને તેણે ભૂલથી કહ્યું કે માલની કિંમત તે બીજે દિવસે આપી શકશે. ઓળખીતા વેપારીએ હસીને ઉધાર માલ આપવાની ના પાડી. એક ઓળખીતાને ત્યાં જઈ તેણે પાંચ રૂપિયા ઉછીના માગ્યા; તે જ દિવસે એ ઓળખીતાના બધા પૈસા ખલાસ થયા હતા અને ચારઆઠ આના શોધવાની વેતરણમાં એ ઓળખીતો જાતે જ પડ્યો હતો. આખો દિવસ તેના દેહે તોફાન કર્યું. તોફાન કરી રાત્રે તેનો દેહ થાકી ગયો અને મધરાત પછી મદનને એમ લાગ્યું કે આવા નિરર્થક, નિર્માલ્ય, શબવત્ બની ગયેલા દેહને હવે