પૃષ્ઠ:Divadi.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬ : દીવડી
 

તે ક્ષણભર ટકાવી રાખી શકશે નહિ. છતાં દેહ આત્માને છેડતો ન હતો. પ્રભાતની એક ઠંડી લહર આવી. તેના આત્માએ દેહને દૂર કરવા માટે સહજ બળ મેળવ્યું અને તેણે ઘર બહાર પગ મૂક્યો. દસ ડગલાં આગળ વધ્યો નહિ હોય એટલામાં મદને પડોશીના ઓટલા ઉપર એક દોરડું પડેલું જોયું. દેહને દૂર કરવાનો સફળ માર્ગ એમાં તેને દેખાયો. પડોશીના ઓટલા ઉપરથી તેણે દોરડું ઉપાડ્યું, પોતાની ઓરડીએ આવી ઉપરની ખીંટીએ દોરડું બાંધ્યું અને પોતાના ગળાને માફક આવે એ ગાળો કરીને દોરડા ઉપર લટકી જવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેના પડોશીઓએ આવી તેને ચોર તરીકે જગતમાં જાહેર કર્યો. આ માનવીને દુનિયામાં આપઘાત કરવા માટે પણ દોરડું મળ્યું નહિ–પોષણ મળવાની વાત બાજુએ રહે તોપણ !

'એટલે, સાહેબ ! મને જ્યાંથી મળતું હોય ત્યાંથી દોરડું ઊછીનું આપો. મારા મૃત્યુ પછી મારું રુધિર ધોઈને એ દોરડું ફરી ઉપયોગમાં લઈ શકાશે.' મદને ન્યાયાધીશને કહ્યું.

ગંભીર બની ગયેલી અદાલતમાં, ગંભીર બની ગયેલા ન્યાયાધીશે જરા શાંત રહી ગંભીરપૂર્વક કહ્યું :

'મદનલાલ ! હું તમારે માટે દિલગીર છું, પરંતુ તમારે માથે હજી એક વધારે આરોપ મૂકવો પડશે એમ મને ભય છે.'

'આપ મૂકી શકો છો. હવે આ દુનિયામાં મને કશી નવાઈ લાગતી નથી. હવે કયા આરોપની શિક્ષા માટે મારે તૈયારી કરવાની છે?' મદને કહ્યું.

'આપઘાતની કોશિશ એ પણ એક ગુનો છે, જેની સજા માટે તમારે તૈયાર રહેવું પડશે.' ન્યાયાધીશે ગંભીરતાપૂર્વક કહ્યું.

'જે દુનિયા પોષણ ન આપે એ દુનિયાને છોડવી એ પણ ગુનો ! એમ?' મદને પૂછ્યું.

'તમે દુનિયા છોડી શક્યા હોત તો તમને સજા ન થાત,