પૃષ્ઠ:Divadi.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરી-શાની?: ૨૨૭
 

પરંતુ દુનિયા છોડવાની કોશિશ એ અમારા કાયદા મુજબ ગુનો છે.' ન્યાયાધીશે કહ્યું.

'તો ન્યાયાધીશ સાહેબ ! હવે મને એવી સજા આપો કે આ દુનિયાથી સંદતર હું દૂર થઈ જાઉં અને આ માનવતાહીન દુનિયા પર મારી દ્રષ્ટિ પણ ન પડે.'

'એ તો ગુનાના પ્રમાણમાં શિક્ષા થઈ શકે.'

'ન્યાયાધીશ સાહેબ ! હવે મને જિવાડશો તો તમારા ફોજદારી કાયદામાં લખ્યા હશે એટલા બધા ય અને તે ઉપરાંતના તમારે નવા કાયદા રચવા પડે એવા વધારે ગુના કરનારા એક માનવ દુશ્મન તરીકે હું તમારા શિક્ષાખાનામાંથી બહાર નીકળીશ, એટલું યાદ રાખશો.' મદને તેનામાં કદી ન આવેલો જુસ્સો લાવી કહ્યું.

મદનને અનેક શિક્ષાઓ થઈ અને વર્ષો પછી તે કેદખાનામાંથી છૂટ્યો પણ ખરો. પણ જે ગુના પકડાતા નથી તે મદન જ કરતો હશે તેમ પોલીસના અમલદારો હવે માનવા લાગ્યા.