પૃષ્ઠ:Divadi.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ: ૨૨૯
 

છતાં એ સર્વ મુશ્કેલીઓમાંથી પસાર થઈ તેણે સફળતા અને યશ પ્રાપ્ત કર્યા હતાં, અને તેના યે કરતાં વધારે ઉપયોગી ધન પણ પ્રાપ્ત કર્યું હતું.

ધનિક પ્રફુલ્લ અનેક સારાં કામ કરતો હતો. સામાન્ય માનવીનાં સારાં કામ એના દેહ સાથે જ જડાયેલા રહે છે. પરંતુ ધનિક માનવીનાં સારાં કામ લોકજીભે ચઢી, વર્તમાનપત્રોમાં આલેખાઈ, ચિત્રમાં ચીતરાઈ સહુની આંખે ચઢે છે. પ્રફુલ્લ જોતજોતામાં પ્રખ્યાત પુરુષ બની ગયો. એનાં ગુણગાન થવા લાગ્યાં. અરે મિત્ર તરીકે હું બહુ રાજી થાઉં એટલી સ્થાનિક કીર્તિ તેણે મેળવી.

પરંતુ એ કીર્તિ સાથે થોડા જ સમયમાં એના નામને કાળાશ લાગે એવી પણ હકીકત મેં સાંભળી. એના મોટા મકાનની પાસેના એક નાનકડા ગૃહમાં કાન્તા નામની એક રૂપવતી વિધવા તેના એક નાનકડા પુત્ર સાથે રહેતી હતી. એનું સાચું નામ બીજું જ હતું; પરંતુ આપણે એને કાન્તાને નામે ઓળખીશું. પ્રફુલ્લને અને કાન્તાને આડો વ્યવહાર છે એવી વાત ધીમે ધીમે, સૂચન રૂપે, કટાક્ષ રૂપે, માહિતી રૂપે અને અંતે નિંદા રૂપે મારે કાને આવવા લાગી. ધનની વિપુલતા અનેક સાહસને પ્રેરે છે; તેમાં પણ સ્ત્રીસહવાસનાં સાહસો ધનિક જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. ધનિકોનાં ઘણાં ઘણાં કર્મો ઉપર ધન સરસ પડદો પાડી દે છે; છતાં તેમનાં કેટલાંક કર્મો એ પડદાને ચીરી બહાર પણ નીકળી આવે છે. પ્રફુલ્લનો અને કાન્તાને સંબંધ છૂપ રહી શક્યો નહિ. લોકોમાં પ્રથમ ચણભણ વાત ચાલી અને પછી તે ખુલ્લેખુલ્લી ટીકાઓ થવા લાગી કે પ્રફુલ્લ અને કાન્તાએ લોકલાજની માઝા પણ મૂકી દીધી છે. પ્રફુલ્લે દુષ્કર્મ ઢાંકવાનું ડહાપણ સુધ્ધાં દૂર મૂક્યું એની મને નવાઈ લાગી અને નવાઈ સાથે મને ગુસ્સો પણ ચડ્યો. પ્રફુલ્લ સાથે પ્રફુલ્લની પત્ની ઉપર પણ મને ગુસ્સો ચડ્યો. તેના સરખી ચબરાક સ્ત્રી પોતાના પતિને આમ જરા પણ દાબમાં ન રાખી શકે એ મને વધારે