પૃષ્ઠ:Divadi.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ : ૨૩૧
 

સંબંધ આખા શહેરની જીભે ચડી ગયા છે એ તું જાણે છે ?'

'મને સાચોસાચ ખબર નથી કે મારી સાથે કાન્તાનું નામ જોડાય છે અને અમે બંને વગોવાઈએ છીએ...'

‘વગોવાઓ નહિ તો બીજું શું થાય? એ વિધવા છે એ વાત સાચી ને?'

'હા. એને કમનસીબે એ વાત સાચી છે. એ સ્થિતિ દયાપ્રેરક છે.'

'દયા કરવા માટે ધનિકોએ વિધવાને જ શોધવી પડે એનો કાંઈ અર્થ ?'

'હું કેટલી સધવાઓને પણ સહાય આપું છું તેનો હિસાબ તારી પાસે મૂકી દઉં? મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ એવી દયાપાત્ર બની ગઈ છે કે...'

'એ હું અને તું બન્ને જાણીએ છીએ; પરંતુ દયા કરવા માટે કાન્તાનો સાથ બહુ સેવવાની જરૂર ખરી ?'

'સાથ? મહિનામાં એકાદ વાર પણ અમે ભાગ્યે જ મળીએ છીએ. મારી પડોશમાં રહે છે એટલે કોઈ કોઈ વાર મારી પત્નીને મળવા એ આવે છે...'

'લોકો તો કાંઈ કાંઈ વાતો કરે છે. એના દીકરાને તું ભણાવે છે...'

'એટલે હું ભણવાનો ખર્ચ આપું છું. હું જાતે એના પાઠ કરાવતો નથી.'

'તમે બંને જણ ખુલ્લેખુલ્લાં હસીને વાત કરો છો...લોકો જોતાં હોય તો ય.'

'વાત કરવી જ હોય તો હસીને જ કરવી જોઈએ. કારણ વગર મોં ચડાવવાની કોઈ જરૂર?...અને લોકો શા માટે અમારા ઉપર ચોકીપહેરો મૂકે છે? હસીને વાત કરવાનો હક્ક મને એકલાને મળ્યો નથી...'