પૃષ્ઠ:Divadi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્ય અને કલ્પના


સત્ય અને કલ્પના પરસ્પરથી કેટલાં વેગળાં રહે ?

સામાન્ય ખ્યાલ એ છે કે સત્ય ઢાંકણ વગરનું, નવસ્ત્રું, નગ્ન હોય. સત્યની સાથે નગ્ન શબ્દ વાપરવાની ગુજરાતને ઠીકઠીક ટેવ પડી છે !

કલ્પના એટલે ઢાંકી, ઢબૂરી, રંગીન તથા કસબી વસ્ત્રો અને ઝાકઝમાળ અલંકારોથી રૂપાળી બનાવેલી આપણને ગમતી આપણી કોઈ વિચાર-ઢીંગલી. કદાચ એ ઢીંગલી નગ્ન હોય તો ય એ આપણે કલ્પેલી નગ્નતા. રંગરેષા આપણે પૂરેલાં. સત્ય અને કલ્પના બન્ને હાથ ન મિલાવે એવી આપણી આ માન્યતા. હાથ ન મિલાવે તો બંને એકરૂપ તો ક્યાંથી જ બની શકે ?

Musical chair ગીતબેઠક ની રમત આપણે ત્યાં હવે જાણીતી બની ગઈ છે. મોટે ભાગે સ્ત્રીઓ જ એ રમત રમે છે ! નહિ? જીવનમાં સત્ય અને કલ્પનાની એ બેઠક હરીફાઈ જાણે સતત ચાલતી હોય એમ લાગ્યા જ કરે છે ! સંગીત ધીમું, ઉતાવળું, મધુર, કર્કશ વાગ્યા કરે છે. એક ખુરશીની આસપાસ સત્ય અને