પૃષ્ઠ:Divadi.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ : ૨૩૩
 

કેટલા હોઈ શકે એનો તાગ નીકળી શકે એમ નથી. 'સો લાખનમેં એક' પણ કદાચ નહિ હોય. અને લોકોની વાતનો પાયો છેક ધુમ્મસનો રચાયેલો હોતો નથી. ને ધુમ્મસ પણ એક દ્રવ્ય જ છે ને? પ્રફલ્લને કાન્તાનું આકર્ષણ થયું !

ત્યારે એ વાત સાચી !

કાન્તા એક વિધવા હતી. તે એક રૂપવતી વિધવા હતી. એક નાનો બાળક-પુત્ર મુકી તેનો પતિ ગુજરી ગયો હતો. આશાસ્પદ પતિ જતાં કાન્તા, નિરાધાર બની ગઈ. દૂર દૂર વેરાયેલાં સગાંવહાલાં ક્યાંથી અને ક્યાં સુધી આશ્રય આપે ? પતિના મિત્રોની મૈત્રી પણ દિવસો જતાં કટાવા લાગી. હિંદુ વિધવાથી નોકરી થાય નહિ છતાં અંતે કાન્તાએ નાની નાની નોકરીઓ શોધવા માંડી. નોકરીઓ મળતી જાય અને છૂટતી જાય. કોઈ ધનિક સ્ત્રીને સહવાસ આપવાની નોકરી મળે કે સમય પસાર ન થતો હોય એવી તવંગર સ્ત્રીને ધર્મપુસ્તક વાંચી બતાવવા પૂરતી નોકરી મળે. બાળકોની સારવારનું કામ હોય અથવા વૃદ્ધ બનેલી ધનિક સ્ત્રીની સંભાળ રાખવાનું કામ હોય. એવાં એવાં કામ કરતાં કરતાં તેનો પુત્ર દસેક વર્ષનો થયો ત્યારે તે પ્રફુલ્લના મકાન પાસે આવી એક નાનકડી ઓરડીમાં નિવાસ કરવા લાગી. ઓરડીનું ભાડું ઓછું હતું અને સારા માણસોનો પડોશ હતો એમ માની કાન્તાએ એ સ્થળ પસંદ કર્યું. તેનો પુત્ર કદી કદી પ્રફુલચંદ્રના કમ્પાઉન્ડમાં આવી અન્ય બાળકો સાથે રમતો અને પ્રફુલ્લચંદ્રના નોકરો તેને પરાયો માની કાઢી મૂકે ત્યારે તે જતો પણ રહેતો.

રૂપ સહુની આંખ ખેંચે છે. પડોશી પુરુષો જ નહિ પણ સ્ત્રીઓ સુદ્ધાં કાન્તા તરફ નજર ફેંકવાનું ચૂકતી નહિ. સ્વભાવે તે હસમુખી હતી, સહુની સાથે આપ્તપણે તે વાતચીત કરતી હતી અને સર્વ પડોશીઓને ઉપયોગી પણ થઈ પડતી હતી. પ્રફુલ્લ પણ પોતાને મહાપુરુષ માનતો ન હતો એટલે એની પણ નજર કદી કદી દેખાતી