પૃષ્ઠ:Divadi.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ : ૨૩૫
 


આટલું કહી કાન્તાએ પુત્રના હાથમાં પૈસા મૂક્યા, પુત્ર કપડાં પહેરી બહાર નીકળ્યો, માતાએ તેને બારણાં પાસે ઊભા રહી અદ્રશ્ય થતો જોયો અને જેવો તે અદ્રશ્ય થયો તેવાં જ પોતાની ઓરડીનાં બારણાં કાન્તાએ બંધ કરવા માંડ્યાં.

'બારણાં બંધ ન કરશો.' કંપભર્યો પ્રફુલ્લનો કંઠ કાન્તાએ સાંભળ્યો અને જરા આશ્ચર્ય પામી કાન્તાએ પાછળ પ્રફુલ્લ તરફ જોયું. પ્રફુલ્લનું મુખ ફિક્કું, રુધિર-રહિત બની ગયું હોય એમ કાન્તાને લાગ્યું. પ્રફુલ્લની આંખમાં ભય અને વિકલતા ક્ષણભર પ્રગટી રહ્યાં હોય એમ કાન્તાને ભાસ થયો. સહેજ પાસે આવી કાન્તાએ કહ્યું :

'એને પાછો આવતાં કલાક થશે... અણધારી રજા નિશાળમાં પડી અને એ આવી લાગ્યો...બાકી ઘરમાં ચા, ખાંડ, દૂધ સઘળું છે... કલાક સુધી આપણે બંને એકલાં જ...'

‘કાન્તાબહેન ! જરા પાસે આવો...'

'ખુલ્લે બારણે?'

'હા, તમારે પગે પડી મારે તમારી ક્ષમા માગવાની છે.' પ્રફુલ્લે કહ્યું.

'કારણ ! આમંત્રણ મેં જ આપ્યું હતું તમને...અત્યારે આમ આવવા માટે.' કાન્તાએ બહુ જ સ્વાભાવિકપણે કહ્યું. એના મુખ ઉપર એક યોગીની અસ્પૃશ્યતા મને દેખાઈ.

‘એ આમંત્રણ મેં માગીને, ખેંચીને લીધું હતું... મારી સહાયની કિંમત રૂપે...' પ્રફુલ્લે શરમથી ઊભરાતા વદને કહ્યું.

'કિંમત તમે માગી શકો છો, લઈ શકો છો અને એક નિરાધાર વિધવા...આપી શકે એમ આપે છે....'

'માફ કરો. મેં તમારી ચકાસણી વધારે પડતી કરી. હું જો કિંમત લઉં તો માનવી મટી જઉં..તમે જરા બેસો; છોકરાને આવવા દો...'