પૃષ્ઠ:Divadi.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬ : દીવડી
 

નાનકડી શેતરંજી ઉપર હીંચકાથી સહેજ દૂર કાન્તા બેસી ગઈ અને વસ્ત્રને છેડે મુખ ઢાંકી ચોધાર આંસુએ રોઈ. કેટલી વાર એ રાઈ હશે ? પાંચ મિનિટ ? દસ મિનિટ? પા કલાક? પ્રફુલ્લના હૃદયમાં ચીરા પડતા હતા. કાન્તાનાં અશ્રુ પ્રફુલ્લને દઝાડતાં હતાં. તે રડી રહી; આંખ લૂછી તેણે પોતાનું મુખ પ્રગટ કર્યું. ઝાકળથી સ્વચ્છ બનેલા ગુલાબ-પુષ્પ સરખા તેના મુખે આછું હસવા પ્રયત્ન કર્યો; પરંતુ તે સફળ ન થયો. પ્રફુલ્લે એ પ્રયત્નના જવાબમાં કહ્યું :

'રડવું મારે જોઈએ... આમ તમારા હૃદય સાથે રમત કરવાને બદલે.'

'હિંદુ વિધવાને હૃદય વળી ક્યાં હોય? એને તો એકલું શરીર જ હોય. જેને અડપલું કરવું હોય તે કરી લે. તમે તમારી કિંમત લઈ પાછા ફર્યા હોત તો હું જરા ય રડત નહિ.. પણ આ તો...' કહી ફરી કાન્તાની આંખમાં આંસુ આવ્યાં અને તેનો કંઠ રૂંધાઈ ગયો. ધીમે ધીમે બન્ને સ્વસ્થ થયાં. કાન્તા રડી શકતી હતી; પ્રફુલ રુદનથી એ ઊંડી વેદના ભોગવી રહ્યો હતો. કાન્તાએ આજ સુધી સહાયતાની કિંમત આપવાનો વિચાર સરખો કર્યો ન હતો. તેનો પુત્ર મોટો થાય અને ભણે એ જ એના જીવનનો ઉદ્દેશ હતો. પુત્રો મોટા થાય, ભણે અને સ્વાવલંબી બને, એ લાંબા ગાળામાં માતાને શા શા અનુભવ થતા હશે એ કયી માતા નોંધી રાખતી હશે? કાન્તાને અનેકાનેક અનુભવો થયા. સગાંવહાલાંમાં, મિત્રમાં, પરોપકારી સજ્જનોમાં, નોકરી આપનાર ધનિકમાં, અરે સામાન્ય રસ્તો દેખાડનાર ભોમિયામાં પણ એણે એક જ અનુભવ કર્યો : સહુને સહાયની કિંમત તેના દેહ-ઉપભોગ રૂપે લેવી જ હતી. સહુને છોડી તરછોડી દેહને પવિત્ર રાખવામાં અનેક કષ્ટ અનુભવતી કાન્તાને એ જ કારણે અનેક સ્થાનોને તિલાંજલિ આપતાં અંતે પ્રફુલ્લની આંખમાં પણ કિંમતની જ માગણી જોઈ, એટલે તેણે અંતે નિશ્ચય કરી લીધો કે વિધવાને પોતાનો પુત્ર ઉછેરવો હોય,