પૃષ્ઠ:Divadi.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ: ૨૩૭
 

તેને ભણાવવો હોય, તેને ઠેકાણે પાડવો હોય તો તેને માટે એક જ માર્ગ હોઈ શકે: સહાનુભૂતિ દર્શાવનારને, સગવડ કરી આપનારને, આછું-પાતળું ધન આપનારને બીજો બદલો ન ખપે. બીજા સર્વ બદલા સાથે દેહ તો સોંપવો જ પડે; અને તે ન બને તો વિધવાએ અને તેના પુત્રે આ સંસારમાંથી લુપ્ત થઈ જવું પડે. પોતાને લુપ્ત થવું પડે તેની કાન્તાને જરા ય ચિંતા ન હતી, પરંતુ એને તો પુત્ર માટે જીવવું જ હતું. જેને જન્મ આપ્યો તેને જીવતો રાખવો જ જોઈએ. અને પ્રફુલ્લ સરખા સહાયકની આંખમાં એણે વિકાર ભાળ્યો ત્યારે એની ખાતરી થઈ ગઈ કે પુત્રને માટે પોતાના દેહની કિંમત આપ્યા વગર તેનો છૂટકો નથી જ. પ્રફુલ્લનો તેણે સામનો ન કર્યો; એટલું જ નહિ. એકાંતમાં મળવાની પ્રફુલ્લે દરખાસ્ત મૂકતાં કાન્તાએ તેને પોતાને ઘેર ચા પીવા આમંત્રણ પણ આપ્યું, જે પ્રફુલ્લે બહુ રાજીથી સ્વીકારી લીધું.

પતનના પ્રથમ સ્વીકાર સમયે જ પુરુષ સ્ત્રી કરતાં વધારે સારો નીવડ્યો, અને સ્ત્રીના સ્વમાનને ઘા કરી ચૂક્યો ! સ્વમાનને ઘા કરનારે જ તેને એ પાસ દોરી હતી અને હવે તે શ્રેષ્ઠતા દર્શાવી દયાનો ભાવ દેખાડી રહ્યો હતો...છતાં એની સજ્જનતા સામે કાન્તાથી વાંધો લઈ શકાય એમ હતું જ નહિ. ગૂંચવણભર્યા ભાવે તેને એકદમ રડાવી. ન સમજાય એવું પ્રફુલ્લનું વર્તન વધારે શ્રેષ્ઠતા ધારણ કરતું ગયું.

'તમે હવે સ્વસ્થ બનો. તમારા પુત્રની ચિંતા કરશો નહિ. એનો અભ્યાસખર્ચ મને જરા ય ભારે પડશે નહિ... અને આ ક્ષણથી હું તમને મારી માતાને સ્થાને મૂકું છું...' પ્રફુલ્લે કહ્યું.

કદી નહિ ધારેલી પુરુષસજ્જનતા આગળ કાન્તાનો ઘાવ કૂણો બન્યો, માનવસાધુતા પ્રત્યે તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને આભારની લાગણીમાં કાન્તાએ વધારે અશ્રુ ઢાળ્યાં.

ત્યારથી પ્રફુલ્લ અને કાન્તાના સંબંધની વિશુદ્ધિ પૂર્ણ રીતે