પૃષ્ઠ:Divadi.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું મૂળ: ૨૩૯
 

દૂધ-ચા લેવા બજારમાં મોકલ્યો ત્યારે એક ભુલાઈ ગયેલો સમયટુકડો અંગારાથી ચીતરેલા ચિત્રસમો મારી આંખ સામે આવી ચીતરાઈ રહ્યો.'

'એમ ! એવો શો પ્રસંગ હતો ?'

'એ જ પ્રસંગ...મારી ગરીબ ઓરડીમાં મારી માતાએ પણ ...મને ચાનું દૂધ લેવા મોકલ્યો હતા... હું પણ કાન્તાના પુત્ર જેવડો જ ત્યારે હતો...એ ભુલાઈ ગયેલા છતાં એકાએક આંખ સામે તરી આવેલા મારા બાળપણના પ્રસંગનો અર્થ શો થતો હશે તે હુ કાન્તાના પ્રસંગથી સમજી શક્યો...તદ્દન ભુલાયેલા... કદી યાદ ન આવેલ એ પ્રસંગ યાદ આવ્યો...અગ્નિછાપથી છપાયો...અને હું કંપી ઊઠ્યો..ગરીબી એ બધાં જ પાપની માતા છે...પાપનું મૂળ ગરીબી... અને કાન્તાને મેં તે ક્ષણે મારી માતા માની, અને જીવનભર માતા માનીશ..'

હું દિગ્મૂઢ બની ગયો. મારે પ્રફુલ્લને કશી જ શિખામણ આપવાની હતી નહિ. મારે શું બોલવું તેની પણ મને સમજ પડી નહિ. સ્વસ્થ બની સહજ હસી પ્રફુલ્લે મને કહ્યું :

'આ વાત હું મારી પત્ની અને તું એમ ત્રણ જણ જાણીએ છીએ. કાન્તા તો મને દેવ માને છે-જે હું જરા ય નથી... એને ક્યાંથી ખબર હોય કે એની પાસે સહાયની કિંમત માગનારના જીવનમાં આમ જ બન્યું હશે.છતાં...તું કોઈને કશું કહેતો નહિ.'

મારાથી રહેવાયું નહિ એટલે નામ બદલી આટલી વાત કહી દઉં છું...પ્રફુલ્લ એ બીજું કોઈ ન હોય... અને કદાચ હું જ હોઉં તો?...મને ભય લાગે છે... પાપનાં મૂળ હું જોઈ રહ્યો છું...