પૃષ્ઠ:Divadi.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો : ૨૪૧
 

નથી. કેટલી યે વાર ફરી પરણનાર પુરુષની વીરતા માનપત્ર માગી લે એવી હોય છે, એ શું હું નથી જાણતો? યૌવન ખંડિત થાય ત્યારે તે સ્વાભાવિક રીતે જ અર્ધાંગ માગી લે છે; અને એ અર્ધાંગ મેળવી લેનાર વ્યક્તિ મહા પાપ કરે છે એમ માનવું કે કહેવું એ મોટામાં મોટી ભૂલ છે. અર્ધાંગ મેળવી લેવું એ કુદરતનો ક્રમ છે. વળી યૌવન અડધા-પોણા વાર્ધક્ય સુધી પહોંચે છે એ કોઈ ન ભૂલે. અને યૌવન તૃપ્ત કરનાર સ્ત્રી કે પુરુષ પરણીને–ફરી પરણીને પાપ કરે છે એમ માનવા કરતાં સમાજે કુદરતનું સત્ય સ્વીકારી લઈ પાપની સંખ્યા ઓછી કરવી એ જ વધારે સારો માર્ગ છે. ફરી પરણનાર સ્ત્રી કે પુરુષની હું કદી નિંદા ન કરું.

તો પછી હું ફરી કેમ ન પરણ્યો ? પુનર્લગ્નની સ્ત્રી-પુરુષને હું છૂટ આપું છું એનો અર્થ એવો નથી કે સહુને દ્વિતીય લગ્નની ફરજ પાડવી. મોટે ભાગે તો ફરજ પાડવાની જરૂર રહેતી જ નથી. મને પ્રશ્ન કરનાર મારાં વખાણ કરનારને ક્યાંથી ખબર હોય કે હું પોતે ફરી લગ્ન કરવાની તૈયારીમાં જ હતો ! એક નાનો સરખો અકસ્માત બની ગયો ન હોત તો આજે હું ફરી લગ્ન કરી ચૂક્યો હોત અને આ પ્રસંગની નોંધ કરવા હું પ્રેરાયો પણ ન હોત ! હું સાધુ નથી, યોગી નથી અને સંયમી–જિતેન્દ્રિય પુરુષ પણ નથી. સંભવ ઘટી ગયો છે, છતાં ભવિષ્યમાં હું ફરી પરણી બેસું તો કોઈએ આશ્ચર્ય પામવાની જરૂર નથી. હું એક સામાન્ય માનવી છું–સામાન્ય માનવજાતની નિર્બળતાઓથી ભરેલો !

ત્યારે હું ફરી કેમ ન પરણ્યો ? એ પ્રશ્ન હજી ઊભો જ છે. એ પ્રશ્રનો એકસામટો ઉત્તર આપી દઉં કે ફરીથી કોઈ મને મારી અંગત બાબત ન પૂછે. કોઈની અંગત બાબતમાં રસ લેવો એ સજજનતાથી વિરુદ્ધ છે એમ વારંવાર કહેનાર સજજનો પણ એ