પૃષ્ઠ:Divadi.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૪૩
 

મને તે જેમ સંભળાતી અને શણગારતી તેમ તે કોઈ માંદી ચકલી, તડકે તરફડતી ખિસકોલી, બાજથી ગભરાયેલું કબૂતર કે બિલાડીની તરાપમાંથી બચેલા પોપટને સંભાળતી અને શણગારતી. પોપટ તો અમારા ઘરનું એક કાયમી અંગ બની ગયો. બિલાડીની તરાપથી થરથરી ઊઠેલો સંકોચાઈ શુન્ય બની ગયેલો પોપટ કુસુમે પકડી લીધો. તેને માટે પાંજરું મંગાવ્યું અને તેને મીજ તથા મરચાંનો ખોરાક પણ આપ્યો. અમારા પ્રિય સૂવાના ખંડમાં એ પાંજરું લટકાવવામાં આવ્યું, અને કુસુમે પક્ષીસૃષ્ટિમાં માનવવાણીનો પ્રવેશ કરાવવા પોપટને બોલતાં શીખવવા માંડ્યું. પોપટની મગજશક્તિ ઊંચા પ્રકારની હોય એમ લાગ્યું નહિં. સહેલા સહેલા શબ્દ શીખવવાને કુસુમનો પ્રયોગ સફળ થયો લાગ્યો નહિ એટલે મેં કુસુમને કહ્યું :

'આ તારો શિષ્ય તને કાંઈ યશ અપાવે એમ લાગતું નથી.'

'એ જ સારું છે. એક પાસ તું બોલ બોલ કર્યા કરે અને બીજી પાસ આ પક્ષી. તો પછી મારી સ્થિતિ શી થાય ?' કુસુમે મને જવાબ આપ્યો.

'તું કાંઈ બોલતી જ નહિ હોય જાણે !' મેં કહ્યું. કુસુમ જરા ય ઓછું બોલતી નહિ, અને એ ઓછું બોલે તો મને ગમતું પણ નહિ. એનો શબ્દટહુકો મારી ભણકારમૂર્તિ બની ગયો હતો – જેમ એનો દેહ મારી સ્મરણમૂર્તિ બની ગયો હતો તેમ. ઘણી વાર મને વિચાર આવતો કે હું જીવું છું જ કુસુમમાં ! એ મારી પાસે ન હોય ત્યારે આખું વિશ્વ મને ખાલી ખાલી લાગતું. એ હોય ત્યારે મારા વિશ્વમાં મારે બીજું કશું મેળવવાનું જાણે કાંઈ રહેતું જ નહિ. મારી ઘેલછા પણ દિવસે દિવસે વધતી જતી હતી. કદી રાત્રે વાતોએ ચડ્યાં હોઈએ અને પ્રભાત વીતી ગયા છતાં કુસુમ જાગૃત થઈ ન હોય તો પણ મને ફાવે નહિ. એના વગર હું ચા પણ કેમ પી શકું ? મન પાછું પડે છતાં હું સૂતેલી કુસુમ પાસે જઈને તેને જગાડતો. સૌન્દર્ય સૂતું હોય એને કર્કશતાથી કેમ જગાડાય ?