પૃષ્ઠ:Divadi.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪ : દીવડી
 

સાક્ષાત કોમળતા પોઢી હોય તેને કઠિન સ્પર્શથી કેમ જગાડી શકાય? મૃદુમાં મૃદુ સ્પર્શ કરી, મૃદુમાં મૃદુ વાણીઉચ્ચાર શોધી કાઢી હું તેને કહેતો :

'કુસુમ ! સવાર થયું. જાગવું નથી?'

તેના રેશમી વાળને, કુસુમિત લલાટને નહિ જેવો સ્પર્શ કરતો, જગાડતાં બીતો અને છતાં એ જાગી જય એમ ઈચ્છતો હું જ્યારે તેની હીરા સરખી આંખ ખૂલતી ત્યારે મારે રિદ્ધિસિદ્ધિનો ભંડાર ખૂલી ગયો હોય એમ રાજી થતો ! એની આંખ ખૂલતી, મારું મુખ સ્મિત કરતું અને કુસુમ પણ હસીને બોલતી :

'કોઈક દિવસ તો જંપીને સૂવા દે !'

'તો પછી હું ચા ક્યારે પીઉં ? '

'પી લેવી હતી.'

'તને મૂકીને? એ કેમ બને ?'

કોઈ વાર પ્રભાતની ઠંડીમાં હું પણ સૂર્યોદયને ન ગણકારતાં સૂઈ રહેતો. કુસુમ વહેલી ઊઠતી ત્યારે એ પણ મને આમ જ જાગૃત કરતી. એનો સ્પર્શ તો કુમળો હોય જ. કુમળાશમાં વિદ્યુત હોય એ હું કુસુમના કુમળા સ્પર્શથી જ સમજી શક્યો હતો. એ પણ મને જગાડતાં કહેતી :

'અરુણ ! સવાર થયું. જાગવું નથી ?'

હું તેની સાથે જરા ય દલીલ કર્યા વગર જાગી જતો.

એક પ્રભાતે કુસુમ જાગી નહિ, અને હું તેને જગાડવા માટે ગયો. ખડમાં હું પગ મૂકુ છું અને વગરબોલ્યે મારા જ સરખો ઉદ્દગાર થતો મેં સાંભળ્યો :

'કુસુમ ! કુસુમ !'

મેં ચમકીને જોયું તો પીંજરામાં રહ્યો રહ્યો પોપટ મારા ઉચ્ચારણના ચાળા પાડી રહ્યો હતો  :

'કુસુમ ! કુસુમ ! સવાર થયું...'