પૃષ્ઠ:Divadi.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૪૭
 

સાંભળી હું નિત્ય જાગતો. આખી દુનિયા હવે પ્રયત્ન કરી રહી હતી કે હું કુસુમને - કુસુમના નામને વીસરી જાઉં. કુસુમની વાત પણ હવે કઈ ભાગ્યે જ કરતું. એમાં મારું દુઃખ હળવું કરવાની સહુની પરોપકારી ભાવના હું ન સમજું એમ તો કેમ કહેવાય? પરંતુ કુસુમને ભૂલવી એ મારાથી કેમ બને ? જેના સહવાસમાં મેં પૂર્ણ સુખનો અનુભવ લીધો એની ગેરહાજરીમાં એને મારે યાદ પણ ન કરવી એ કેટલી ક્રૂરતા કહેવાય ? અને પોપટ તો રોજ મને કુસુમની યાદ પ્રભાતમાં જ આપે જતો હતો. એની યાદમાં જાગૃત થવું એ પણ મને હવે ગમતું. મને એ સાંભળી ઊઠવાની ટેવ જ પડી ગઈ.

પરંતુ એ પ્રભાતે પોપટે મને ઉઠાડ્યો નહિ અને હું એમ ને એમ જાગી ગયો. બિચારો પોપટ માંદો તો નહિ પડ્યો હોય? મેં ઊઠી પાંજરા તરફ નજર કરી. પાંજરાનું બારણું ઊઘડી ગયું હતું અને પાંજરામાં પોપટ પણ હતો નહિ.

મેં આખા ઘરમાં તપાસ કરી; માણસોને ધમકાવ્યા; પણ કોઈએ કહ્યું નહિ કે પાંજરાનું બારણું ઊઘડી કેમ ગયું, અને પોપટ ઊડી શી રીતે ગયો. પાસેના ઘરમાં ઊડીને એ ભરાઈ ગયો હોય કે કોઈ ઝાડની ડાળ ઉપર તે હજી બેઠા હોય તો તેને પાછા બોલાવવાનો પ્રયત્ન કરવા હું ઘરની અગાશીએ ચડ્યો. અગાશીમાં પોપટનાં બેત્રણ પીછાં પડેલાં મેં જોયાં અને મારા હૃદયે ધબકારા સાથે મને કહ્યું કે જે બિલાડીથી કુસુમે તેને બચાવ્યો હતો તે જ બિલાડી કુસુમ જતાં પોપટને ઉપાડી ગઈ ! કુસુમ સાથે મને જોડી રાખતો એ તાર હવે તૂટી ગયો. મારા કરતાં એ પોપટ કુસુમને વધારે ચાહતો હશે ! મારા કરતાં કુસુમ પાસે એ વધારે વહેલો પહોંચી ગયો ! માનવીની માફક પશુપક્ષીને પણ આત્મા હોય તો...આ અમારો શુકદેવ કુસુમના આત્માને આજ નીરખી રહ્યો હોય ! અને હું તો હવે માત્ર કુસુમની છબી જોતો બની ગયો...અને છબી ન જોતો હોઉં ત્યારે કુસુમની યાદ કુસુમને ઝાંખી અને ઝાંખી બનાવતી ચાલી.