પૃષ્ઠ:Divadi.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮ : દીવડી
 


માનવહૃદય સરખું ક્રૂર યંત્ર બીજું એકે નથી; માનવદેહ સરખો કૃતઘ્ની બીજો દેહ નથી. હું નિત્ય વ્યવહારમાં પડતો, મારું કામકાજ કરતો, વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચતો, મિત્રોને મળતો, હસતો, આનંદ કરતો અને ઉષાનો પરિચય મેળવતો પણ ખરો. હું કુસુમને ભૂલી ગયો હતો એમ તો હું ન જ કહું. એ મને યાદ આવ્યા જ કરતી હતી. પરંતુ એ યાદ કેમ ઝાંખી અને ઝાંખી બનતી જતી હતી ? અને ઉષાને મળવામાં મારો ઉત્સાહ કેમ વધારે અને વધારે તેજ બન્ચે જતો હતો? ઘણી વાર તો કુસુમ યાદ આવતી ત્યારે હું ઉષાને ખોળી મારા મનના જખમને મલમ ચોપડતો હોઉં એમ મને લાગતું. સ્મશાન સરખું ખાવા ધાતું મારું ઘર મને એકલાંને કોઈ અગમ્ય ભારથી કચરી નાખવા મથતું હોય એમ મને લાગતું. હું મિત્રોને બોલાવતો ત્યારે ઘરનો ભાર ઓછો થઈ જતો; તેમાં પણ જ્યારે ઉષા આવતી ત્યારે ઘર ફૂલ સરખું હળવું અને મઘમઘતું બની જતું. હું બહુ કંટાળતો ત્યારે સિનેમાચિત્રો જોવા જતો અને બને ત્યાં સુધી ચિત્રો જોવા ઉષાને હું ખેંચી જતો.

કદી કદી ઉષા એકલી આવીને મારા ખબર પૂછી જતી. મારા ઘરની અવ્યવસ્થા નિહાળી તે કદી હસતી, કદી નિ:શ્વાસ નાખતી અને અવ્યવસ્થાને પલટી નાખી પ્રમાણભરી સુંદર રચના કરતી. કુસુમની છબી ઘણું ખરું મારી સામે જ પડી હોય; પરંતુ ઉષા મારા હૃદયનું દુઃખ વિચારી કુસુમની આછી સરખી પણ વાત ઉચ્ચારતી નહિ. ઉષામાં ડહાપણ હતું, વિવેક હતો, સહાનુભૂતિ હતી અને મને સુખી કરવાની તમન્ના પણ હતી. એનામાં ભણતર હતું, ચબરાકી હતી, સ્ફૂર્તિ હતી અને......અને... રૂપ પણ હતું એની મને ક્યાંથી સમજણ પડી ? કુસુમ જેવું રૂપ તેનું નહિ હોય...પણ બધાં રૂપ કાંઈ એકસરખાં બીબાં તો ન જ હોય ને ઉષાના વાળ તો કુસુમ સરખા જ વાંકડિયા હતા, અને કદી કદી એના કંઠમાં કુસુમનો કંઠ જીવતો જાણે ન થતો હોય એમ મને ભણકાર વાગતો.