પૃષ્ઠ:Divadi.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પર : દીવડી
 

એક ગમતા અંક સાથે જોડ્યો. થોડી વાર ઘંટડી વાગ્યા કરી. અંતે સામેથી અણદીઠ છેડેથી ટહુકો આવ્યો :

‘હલો !'

'હલો ! હલો ! ઉષા છે ને? એ તો હું અરુણ !' મેં કહ્યું.

‘અરુણ? અત્યારે ? આ પાછલી રાતે ફોન શો? તબિયત તો સારી છે ને?'

'હા, ઉષા ! મારાથી રહેવાયું નહિ; કાંઈક કહેવું છે.'

'કાલે ન કહેવાત?'

'કહીશ તો કાલે જ; પણ જો...સવારમાં મારી સાથે ચા લેજે, પછી આપણે બન્ને બગીચામાં જઈશું...'

'જ્યાં તું મને તારે કહેવાનું જે છે તે કાંઈ કહીશ ! ખરું ?'

'હા.'

' બગીચા વગર કહેવાય એમ નથી ? ' ઉષા બોલી.

'ના. બગીચો પણ જોઈએ..અને બગીચામાં એકાંત પણ જોઈએ.'

'સમજી ગઈ તારે શું કહેવાનું છે તે ! હવે શાંતિથી જરા સૂઈ જા.' કહી સહજ છણકાતું હસી ઉષાએ ફોન બંધ કર્યો. મારે વધારે લાંબી વાત કરવી હતી, પરંતુ તે મેં મુલતવી રાખી.

સવારમાં વખતસર ઉષા આવી પહોંચી. એના અને મારા બન્નેનાં હૃદયમાં ત્યારે ઉત્સાહ ભર્યો હતો એમ અમને પરસ્પર લાગ્યું પણ ખરું. ચા પીતાં પીતાં અમે ખૂબ વાત કરી. બાગમાં જતી વખતે ચૂપકીથી એક સુંદર વીંટી મેં મારા ખિસ્સામાં નાખી લીધી. બાગમાં પહોંચી અમે એક શીતળ, શાંત, એકાંત સ્થળ શોધી કાઢ્યું, અને અમે બન્ને બહુ જ પાસે...લગભગ એકબીજાને અડીને બેઠાં. થોડી વાર સુધી અમારામાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. કેટલીક ક્ષણો એવી હોય છે જે વાણીથી કલુષિત ન કરવી જોઈએ.

'હવે કેમ બોલતો નથી, અરુણ ? મને રાત્રે ભરઊંઘમાંથી