પૃષ્ઠ:Divadi.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૫૫
 

યુગમાં ઘણી દ્વિતીય પત્નીઓને પ્રથમ પત્નીનાં ભૂત વળગતાં હતાં... તને આવા જોખમમાં ન ઉતારાય !' મેં કહ્યું અને વૃક્ષ ઉપરથી એ પક્ષી ઊડી અદૃશ્ય થઈ ગયું.

ઉષા ક્યારની મારી પાસેથી ખસી ગઈ હતી. એ સમજણી યુવતી મારાથી છૂટી પડી અને પછી તે બહુ સારા યુવકની સાથે પરણી પણ ગઈ. કદી કદી એકલી મળે છે ત્યારે પોપટના શબ્દો યાદ કરી એ હસે છે.

'પછી એ પોપટ ફરી કાંઈ બોલ્યો કે નહિ ?'

'ના. તે દિવસે બાગમાં સાંભળ્યા પછી એ દેખાયો જ નથી !' હું કહેતો.

'નાહક જીવનને ખંડેર બનાવી દીધું!' જરા દયા ખાઈને ઉષા બોલતી.

જીવન હજી ખંડેર જ રહ્યું છે. એ ખંડેરમાં કુસુમનો દેહ અને કુસુમનો કંઠ કદી કદી ફરકી જાય છે.

હું ફરી પરણ્યો નહિ...પછી મને ફરી પરણવાનો કોઈએ આગ્રહ પણ કર્યો નહિ... અને હવે કોઈનો કે મારો આગ્રહ હોય તો ય ફરી પરણવા જેવી મારી ઉંમર રહી નથી...એમ યુવતીઓને તો લાગે જ ને?


• •