પૃષ્ઠ:Divadi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : દીવડી
 

'વાહ, વાહ! શાબાશ ! ખેલદિલ જુવાન લાગો છો ! શરતમાં જીત્યા?' ભોમિયાએ માર્ગદર્શન કરાવતાં પૂછ્યું.

'હું શરતોમાં રમતો નથી.'

'શી દિલ્લગી કરો છો, મહેરબાન ! ચાલો, આપણે આવી ગયા.' કહી ભોમિયાએ તેને એક સુંદર મકાનના એક માળ ઉપર ચઢાવ્યો. મધ્ય રાત્રિ વીતી જવા આવી હતી. મકાનમાં દીવા ધીમે ધીમે ઝાંખા બનતા જતા હતા. ભોમિયાએ એક બારણા ઉપર હળવો ટકોરો માર્યો, બારણું ઊઘડ્યું, ભોમિયો અંદર ગયો. પાછો બહાર આવ્યો, અને કિશોર સામે સ્મિત કરી અત્યંત અદબથી ખુલ્લા બારણી તરફ હાથ દર્શાવી બોલ્યો :

'આઈયે !'

અને કિશોરનો દ્વારપ્રવેશ થતાં જ તેણે બહારથી બારણું બંધ કર્યું અને અદ્રશ્ય થઈ ગયો. બહારથી 'ઉલ્લુ' જેવા સંબોધનનો ભણકાર ક્યાંથી આવ્યો ?બાગવાળા સિપાઈનો એ બોલ ન હોય એકાએક કિશોરની આંખ ચમકી ગઈ. ભોમિયો, કોઈ સેવાભાવી મહાનુભાવ હોવો જોઈએ ! નહિ તો ઘર વગરના આશ્રયહીન માનવીઓને શોધતો રસ્તે મધરાત સુધી ઊભો રહી તેમને માટે આવા સુંદર ગૃહની સગવડ કરી આપે ખરો?

અને.. આ લક્ષ્મી જેવી કોણ સ્ત્રી તેની પાસે આવતી હતી? લક્ષ્મી કરતાં પણ એને ઊર્વશી કહીએ તો વર્ણન વધારે સાર્થક લાગે ! પોતાની પાસે જ બેસી કાંઈ પીવાનો આગ્રહ કરતી એ સઘન સ્ત્રી દયાની દેવી હોવી જોઈએ. કિશારે તો ચા માગી. દયાની દેવી ચમકી કેમ ? હસી કેમ? ચાની કિશોરને જરૂર લાગી. ભોંય ઉપર પટકાઈને પણ નિદ્રા માગતો દેહ અને મન ચાથી જરા જાગૃત અને સાવધ બની સ્વચ્છ નિદ્રા લઈ શકે એમ તેણે ધાર્યું.

યુવતી કેટલી વિવેકી ! કિશોરની સાથે તે પણ ચા પીતી હતી. કિશોરની પાસે પાંચસો રૂપિયા હતા એ યુવતીએ ક્યાંથી જાણ્યું ?